સુરત: ભારત અને યુએઇ વચ્ચે મે 2022માં હસ્તાક્ષર કરાયેલા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઇપીએ) બંન્ને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને આગળ વધારી રહ્યાં છે. સીઇપીએ અંતર્ગત ડ્યુટી માફી અને માર્કેટ એક્સેસમાં વધારાના લાભો લેવા માટે ભારતમાં બિઝનેસિસ યુએઇમાં વિસ્તરણ માટેની નવી તકો શોધી રહ્યાં છે.
આ સંદર્ભમાં એસોચેમ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસજીસીસીઆઇ)એ સાથે મળીને સુરતમાં 14 અને 15 ઓક્ટોબર, 2024ના રોજ શ્રેણીબદ્ધ વન-ટુ-વન બી2બી મીટીંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાહજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોન (SAIF ઝોન), શારજાહ સરકાર, યુએઇના વરિષ્ઠ અધિકારીઓ તથા સુરતના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ એકત્રિત થયાં હતાં. બીએનઆઇ સુરત, ગ્લોબલ પાટિદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન જેવાં સ્થાનિક સંગઠનોનો સપોર્ટ સાથે મીટીંગનો ઉદ્દેશ્ય ભાગીદારીને મજબૂત કરવાનો હતો કે જે ભારતીય બિઝનેસિસને વૈશ્વિક માર્કેટમાં ઉપલબ્ધ તકો હાંસલ કરવામાં મદદરૂપ બની શકે.
આ ચર્ચાઓથી સુરતના વ્યવસાયોને ભારત-યુએઇ સીઇપીએના લાભો લેવા, યુએઇમાં પેટા કંપનીઓ અથવા વિસ્તરણ માટેના દ્વાર ખોલવા સંબંધિત જાણકારી અપાઇ હતી. યુએઇના વ્યૂહાત્મક બેઝનો ઉપયોગ કરતાં ભારતીય કંપનીઓ ગલ્ફ, અમેરિકા, યુરોપ અને બીજા આંતરરાષ્ટ્રીય બજારો સુધી સરળતાથી પહોંચી શકે છે. આ મીટીંગમાં 80થી વધુ કંપનીઓએ ભાગ લઇને યુએઇ સાથે લાંબાગાળાની ભાગીદારીની રચના કરવામાં રૂચિ દર્શાવી હતી.
SAIF ઝોનનું પ્રતિનિધિત્વ કરતાં અલી અલ મુતાવાએ ગલ્ફ પ્રદેશમાં ભારતીય નિકાસકારો માટે વિકાસની અપાર તકો હાઇલાઇટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સીઇપીએ સાથે યુએઇએ અગ્રણી રિ-એક્સપોર્ટ હબ તરીકેની પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી છે. SAIF ઝોન વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ સ્થાપિત કરવા ઇચ્છુક ભારતીય કંપનીઓ માટે પ્રોત્સાહન અને વ્યાપારને અનુકૂળ પરિસ્થિતિ પ્રદાન કરે છે.