પુલવામા હુમલાના શહીદ જવાનો દરેક ભારતીયના હ્રદયમાં હંમેશાં જીવંત રહેશે: એરફોર્સ વેટરન હરેન ગાંધી
સુરતઃ ૧૪ ફેબ્રુ. ૨૦૧૯ ના રોજ પુલવામા ખાતે થયેલાં આતંકી હુમલામાં શહીદી વ્હોરનાર ૪૪ વીર જવાનોને પ્રિ-મિલીટ્રી ટ્રેનિંગ એકેડમી ઇન્ડિયા અને પૂર્વ સૈનિક સેવા પરિષદ સુરત દ્વારા કારગીલ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સુરત જિલ્લાના આર્મી,એરફોર્સ અને નેવીના તમામ વેટરન્સની સાથે પ્રિ-મિલિટરી ટ્રેનિંગ એકેડમીના કેડેટ્સ અને બી ફોજી ટીમના યુવક-યુવતીઓની ઉપસ્થિતિમાં ૪૪ વીર જવાનોની શહાદતને યાદ કરતા એરફોર્સ વેટરન અને પ્રિ-મિલીટ્રી ટ્રેનિંગ એકેડમી ઇન્ડિયાના ડાયરેક્ટરશ્રી હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, ‘જવાનોની શહાદત ક્યારેય વ્યર્થ નહીં જાય. પુલવામા હુમલાના ૪૪ શહીદ જવાનો દરેક ભારતીયના હ્રદયમાં હમેશાં જીવંત રહેશે. તેમણે દેશની અમન અને શાંતિ માટે પોતાની જાન કુરબાન કરી, દેશ આપણા માટે શું કરશે એવા વિચારોને ત્યજી હવે આપણું કર્તવ્ય છે કે આપણે દેશ માટે શું કરી શકીએ એ દિશામાં આગળ વધીએ. દેશને પ્રગતિના શિખરે લઈ જવાની વિચારધારા અપનાવી યુવાનોએ સમાજ અને દેશ માટે શક્ય બને તેટલું યોગદાન તેમજ સકારાત્મક કાર્ય કરતા રહેવું જોઈએ, જેથી આપણો દેશ ફરી એકવાર સોનાની ચિડિયા તરીકે ઓળખાય’.
વધુમાં તેમણે સુરતીઓને સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે લાવવા માટે સૌ વેટરન્સ, કેડેટ્સ અને યુવાનોને શહેરને વધુમાં વધુ સ્વચ્છ રાખવા, તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટેનો સંકલ્પ ગ્રહણ કરાવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શક અને સુરત અધ્યક્ષ એરફોર્સ વેટરન મનમોહન શર્મા, યૂથ ફોર ગુજરાતના ટ્રસ્ટી અને જિલ્લા યુવા સલાહકાર સમિતિના દીપક જાયસ્વાલ ઉપસ્થિત રહ્યાં હતા.