ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘બિઝનેસ એકસીલન્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેઇનર અને કન્સલ્ટન્ટ સુરેશ પટેલે વેપારીઓ તથા પ્રોફેશનલ્સને બિઝનેસમાં એકસીલન્સ કેવી રીતે મેળવી શકાય છે? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
વકતા સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીને વાંચો તો માર્કેટીંગની બધી જ બેસ્ટ બાબતો સમજાઇ જશે. ગાંધીજીએ પહેલા લેખ લખવાનું અને ત્યારબાદ વર્તમાન પત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ પુસ્તકો લખ્યા હતા. તમે ભાષાથી ઓછા લોકો સુધી પહોંચશો પણ વેલ્યુથી બધા લોકો સુધી પહોંચી શકો છો. બજારમાં પ્રોડકટ હોય અને તેના પર સ્પેસિફીક કંપનીનું નામ હોય તો લોકોને તેની કવોલિટી વિશે ખ્યાલ આવે છે. શ્રેષ્ઠતમ નીતિઓ જમીન ઉપર ઉતારવી અઘરી પડે છે. આર્કીટેકટ ઘણું બધું કહેતા હોય છે પણ આપણે ઘર તો જીવનશૈલી પ્રમાણે બનાવવું જોઇએ. બધા શું કરે છે? તેને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પોતાને ફીટ કરીએ છીએ એટલે પણ દુખી થઇએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, કંપનીમાં માલિક અથવા ત્યાંના લીડર્સ વિઝન નકકી કરીને તે દિશામાં કામ કરતા હોય છે પણ તેઓની સાથે એ કંપનીના એકઝીકયુટીવ્ઝ પણ એ જ વિઝનથી કામ કરશે ત્યારે એ કામને પૂર્ણતા સુધી પહોંચાડી શકાય છે. બિઝનેસ કરવાના જે ખ્યાલ હોય તે તમામ કર્મચારીઓમાં ઉતરી જાય એને કહેવાય કલ્ચર. માનસિકતા બધામાં ઉતરી જાય એટલે કલ્ચર થઇ જાય. કલ્ચર બનાવવા માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે તેને સિસ્ટમ કહેવાય છે. કલ્ચર એ સિસ્ટમ નકકી કરશે અને તેના પ્રમાણે બધાની માનસિકતા બદલવી પડશે. જે નિર્ણયો ટોપ લેવલ પર લેવાઇ ગયા હોય પણ કંપનીના સાઇક, સાઇકી, કલ્ચર અને સિસ્ટમમાં જ્યાં સુધી તેને ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી બિઝનેસમાં એકસીલન્સ આવશે નહીં.
સુરેશ પટેલે વધુમાં કહયું કે, હવે તો વિદેશોમાં ફલેકસી અવર્સ પણ આવી ગયા છે. એકઝીકયુટીવ્ઝ ગમે ત્યાં બેસીને કામ પુરું કરી આપે છે. ઓફિસમાં સમય પર પહોંચવાની અથવા તો ઓફિસમાં જ જવાની જરૂર પડતી નથી. દરેક વ્યકિતમાં એકસપર્ટાઇઝ હોય જ છે તેમ કહી તેમણે ઓર્ગેનાઇઝેશનમાં પોતાનો બિઝનેસ કેવી રીતે કરી શકાય છે? તે વિશે સમજણ આપી હતી. તેમણે કહયું હતું કે, ઇવેન્ટ એન્ડ એકટીવિટીમાં સમયસર ધ્યાનથી અમલીકરણ ખૂબ જ મહત્વનું હોય છે.
આ સેમિનારમાં ચેમ્બરના ગૃપ ચેરમેન પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કમિટીના સભ્ય બિપીન હિરપરાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે સંજય પટેલે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.