કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વતી અજમેર શરીફ ખાતે આવેલી સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ઉપર 809મા ઉર્સ પ્રસંગે ચાદર ચઢાવી હતી. શ્રી નકવીએ જણાવ્યું હતું કે સહિષ્ણુતા અને સંવાદિતા ભારતના ડીએનએમાં પડેલી છે અને દેશના ગૌરવયુક્ત વારસાને કોઈ બદનામ કે ધ્વસ્ત કરી શકે તેમ નથી.
તેમણે પ્રધાનમંત્રીએ મોકલેલો સંદેશો પણ વાંચી સંભળાવ્યો હતો. આ સંદેશામાં તેમણે ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીના ભારત અને વિદેશના અનુયાયીઓને વાર્ષિક ઉર્સ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં જણાવ્યું હતું કે “હું ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની 809મા ઉર્સ પ્રસંગે તેમના અનુયાયીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આ વાર્ષિક ઉજવણી સામાજીક એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ છે અને તેમની સાથે વિવિધ ધાર્મિક પંથ અને માન્યતાઓનું સંવાદિતાભર્યું સહઅસ્તિત્વ સંકળાયેલું છે. આપણા દેશના આ વારસાને મજબૂત કરવામાં વિવિધ સંત, પીર અને ફકીરોએ મહત્વની ભૂમિકા બજાવી છે. તેમના શાંતિ અને સંવાદિતાના શાશ્વત સંદેશાના કારણે આપણો સામાજીક- સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ બન્યો છે.”
પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં જણાવ્યું હતું કે “ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીએ તેમના સૂફી વિચારો દ્વારા સમાજ ઉપર ભૂંસાય નહીં તેવી છાપ છોડી છે. તે આપણી મહાન આધ્યાત્મિક પરંપરાઓના આદર્શ પ્રતિક બની રહ્યા છે. પ્રેમ, એકતા, સેવા અને સંવાદિતાની ભાવનાને પ્રોત્સાહિત કરતા ગરીબ નવાઝના મૂલ્યો અને મંતવ્યો માનવજાતને હંમેશા પ્રેરણા આપતા રહેશે. ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીના વાર્ષિક ઉર્સ પ્રસંગે અજમેર શરીફ દરગાહ ખાતે ચાદર મોકલીને હું ચાદર ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ વ્યક્ત કરૂં છું અને દેશના લોકોના આનંદ, કલ્યાણ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરૂં છું.”
આ પ્રસંગે શ્રી નકવીએ જણાવ્યું હતું કે “ગરીબ નવાઝનું જીવન આપણને સામુદાયિક અને સામાજીક સંવાદિતાની કટિબધ્ધતા મજબૂત કરવા પ્રેરણા આપે છે. આ એકતા સમાજમાં ભેદભાવ અને વૈમનસ્ય ઉભુ થાય તેવા ષડયંત્રમાં રોકાયેલા પરિબળોને પરાજીત કરે છે. ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીનો સંદેશ “સમગ્ર દુનિયામાં ક્રાંતિની કટિબધ્ધતા માટે અસરકારક છે”.
શ્રી નકવીએ દરગાહના સંકુલમાં નવા બંધાયેલા 88 ટોયલેટના બ્લોકનું ઉદ્દઘાટન કર્યું હતું. આ સુવિધા અહીં આવતા શ્રધ્ધાળુઓ અને ભાવિકો તેમજ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. તેમણે 500 મહિલા યાત્રાળુઓ માટે ઉભી કરાયેલી નિવાસ વ્યવસ્થા ‘રેનબસેરા’ નું ઉદ્દઘાટન કર્યું હતું. દરગાહના સંકુલમાં આ પ્રકારની વ્યવસ્થા સૌ પ્રથમ વખત કરવામાં આવી છે.
શ્રી નકવીએ દરગાહના ગેટ નંબર-5નું ઉદ્દઘાટન કર્યું હતું અને દરગાહના સંકુલમાં ગેસ્ટહાઉસના 4થા માળનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.