ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમના ભાગરૂપે દસ દિવસીય પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ટ્રેઇનર, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને અસરકારક વકતા ચિરાગ દેસાઇએ વકતવ્ય માટે વકતાના અસરકારક અવાજના મહત્વ વિશે સમજણ આપી હતી.
ચિરાગ દેસાઇએ જણાવ્યું હતું કે, વકતાનો અવાજ એની સૌથી મોટી મુડી છે. અવાજને કારણે વકતા શ્રોતાઓને જકડી રાખે છે તેમજ મંત્રમુગ્ધ કરી શકે છે. અવાજ દ્વારા પોતાના વકતવ્યની લાગણી અને ભાવનાઓ અસરકારક રીતે રજૂ કરી શકે છે. અવાજના યોગ્ય ઉપયોગને કારણે જ શ્રોતાઓને પ્રોત્સાહિત કરી શકે છે તેમજ મોટી જનસંખ્યા પાસેથી અસરકારક પરિણામો મેળવી શકાય છે. અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી એના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોને એમ હોય છે કે આ કુદરતી બક્ષીસ હોય છે, પરંતુ એવું નથી હોતું. કોઇપણ વ્યકિત પોતાના અવાજને કેળવી શકે છે અને બોલતી વખતે કયાં ભાર મૂકવો? કયાં અટકવું? કયાં વિરામ લેવો? કયાં ઊંચા અવાજે બોલવું? કયાં ધીમા અવાજે બોલવું? આની યોગ્ય જાણકારી જો મેળવે અને પ્રેકિટસ કરે તો કોઇપણ વ્યકિત અવાજ દ્વારા પોતાના વકતવ્યને નિખારી શકે છે.