સુરતના વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ
સુરતઃ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી વિવિધ ટેક્ષટાઈલના વેપારીઓની દુકાનોની શુભેચ્છા મુલાકાત લઈ કાપડનું ખરીદ-વેચાણનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું.
આ વેળાએ રાજયપાલશ્રીએ જણાવ્યું કે, ‘ભારત દેશમાં આવુ વર્લ્ડ ક્લાસ માર્કેટ છે જે પહેલીવાર જોવા મળ્યું. સુરત એ જ શહેર છે જે દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસિત ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે અને આ વિકાસમાં સુરત ઉદ્યોગપતિઓ અને વેપારીઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્ય કારણભૂત છે. જેનાથી શહેરને પ્રતિષ્ઠા સાંપડી છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનમાં સુરતનું અનોખું યોગદાન રહ્યું છે. એકલું સુરત ૧૫ થી ૨૦ લાખ લોકોને રોજગારી આપીને ગરીબ પરિવારોના ઘરમાં અજવાળા કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેનાથી સુરત નગરની સૂરત બદલાઈ ગઈ છે તેમ વધુમાં જણાવ્યું હતું.
રાજયપાલશ્રીએ યુવાઓ નશામુકત બને, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે હરિયાણામાં કાર્ય કરી રહ્યા હોવાની વિગતો આપી હતી. ભારત દેશને આર્થિક રીતે સુદૃઢ અને સમૃદ્ધ બનાવવા અહીના વેપારી, ઉદ્યોગપતિએ આપેલા યોગદાન બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે ટેક્ષટાઈલ ફેડરેશનના હર્ષીલભાઇએ જણાવ્યું હતું કે, સુરત શહેરને સમગ્ર વિશ્વમાં મેન્યુફેકચરીંગના કારણે મર્ચન્ટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. સુરત શહેરમાં ૧૫ લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે આગામી સમયમાં વધુ ૧૦ લાખ લોકોની જરૂર પડશે તેમ જણાવીને સૂરત રેલ્વે, એર કનેકટીવી તેમજ હજીરાથી એકસપોર્ટ-ઈનપોર્ટની સરળતા, પાવર, પાણીની ઉપલબ્ધતાઓના કારણે શહેરનો વિકાસ તેજ ગતીએ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તથા રાજય સરકારની હકારાત્મક નિતિઓ તથા ઈઝ ઓફ ડુઈગ બિઝનેશના કારણે વિકાસના નવા દ્રાર ખુલ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ કનૈયાલાલ કોકરા, સુબોધ સિધવી, મનોજ અગ્રવાલ, લલીત શાહ તેમજ ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા ફોસ્ટા તથા વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.