લોકો સ્વૈચ્છિક રીતે ઓર્ગન ડોનેટ કરવા આગળ આવે એ સમયની માંગ છે, ઓર્ગન ડોનેટ કરી બીજામાં રોપાઈ જાઓ અને જીવતા રહો : ભારતના કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયા
ડોનેટ લાઈફની નવી ઓફીસ તથા અંગદાતાઓના સન્માન માટે બનાવેલ WALL OF FAME – A TRIBUTE TO ORGAN DONORS નું અનાવરણ અને દેશમાં અંગદાનની જનજાગૃતિ માટે બનાવેલ ગીત “અંગદાન કરલે રે માનવ” નું વિમોચન ભારતના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું
સુરત. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા રવિવાર, તા. ૯ ઓકટોબર, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વેસુ સ્થિત પ્રાઈમ શોપર્સ ખાતે ડોનેટ લાઈફની નવી ઓફિસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાજીના હસ્તે ડોનેટ લાઈફની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભારતના કેન્દ્રીય ટેક્સટાઈલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા તથા ધારાસભ્યો શ્રીમતી ઝંખનાબેન પટેલ અને શ્રી વિવેક પટેલ તેમજ ઉધોગ જગતના આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા. આ સમારોહમાં વોલ ઓફ ફેમના શ્રી નરેશભાઈ અગ્રવાલ દ્વારા શ્રી નીલેશભાઈને ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા નામથી સંબોધિત કરી મોટી પેન્ટિંગ સ્મૃતિભેટ તરીકે આપી હતી.
ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ એક સ્વૈચ્છિક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવાનો અને બ્રેઈનડેડ વ્યક્તિના સ્વજનોને સમજાવી બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવી કિડની, લિવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફસાંના રોગોથી પીડાતા વ્યક્તિઓમાં
દાનમાં મેળવેલ માનવીય અંગોનું પ્રત્યારોપણ કરાવી તેમને સ્વસ્થ નવજીવન બક્ષવાનો છે.
૨૦૦૬ માં કિડની અને લિવરદાનથી પ્રારંભાયેલુ આ અભિયાન ધીમે ધીમે પેનક્રિયાસ, હૃદય, હાડકા, ફેફસાં અને હાથોના દાન સુધી વિસ્તર્યુ છે. દાન કરાયેલા આ અંગો – અવયવો માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ યુ.એ.ઈ., યુક્રેન, રશિયા, સુદાન… જેવા દેશોના દર્દીઓમાં મુંબઈ તેમજ ચેન્નાઈની હોસ્પિટલોમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.
ડોનેટ લાઈફે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ૧૦૪૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવ્યુ છે. જેમાં ૪૩૮ કિડની, ૧૮૬ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૧ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૦ ચક્ષુઓના દાન દ્વારા દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ ૯૫૬ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મેળવી છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૦થી વધુ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે.
કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો, તેવા સમયે પણ ડોનેટ લાઈફે સુરતમાંથી કુલ ૨૦૩ અંગો અને ટીસ્યુઓના દાન કરાવીને ૧૮૨ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું હતું. ડોનેટ લાઈફે માત્ર અંગદાન જ નથી કરાવ્યું પણ એની સાથે સાથે અંગદાન કરનાર સામાન્ય પરિવારોના બાળકોના શિક્ષણની પણ જવાબદારી ઉપાડી લીધી છે.
દેશમાં ૮૫ ટકા લોકોને ઓર્ગન ડોનેશન વિષે જાણકારી નથી. માત્ર ૧૫ ટકા લોકોમાં અંગદાનની જાણકારી છે અને તેમાંથી પણ ૯ ટકા લોકોને ઓર્ગનની જરૂરિયાત છે. આથી માત્ર ૬ ટકા લોકો જ ઓર્ગન ડોનેશન વિષે જાણે છે. આથી વધુમાં વધુ લોકોમાં ઓર્ગન ડોનેશનની અવેરનેસ આવે તે દિશામાં પ્રયાસ કરવાનો છે.
ભારતના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફનું કામ બીજાને જીવન આપવાનું છે અને એ ઓર્ગન ડોનેટ દ્વારા જ થઇ શકે છે. માત્ર બીજાને જીવન આપવાનું નહી પણ પોતે પણ જીવતા રહેવાનું આ કામ છે. ઓર્ગન ડોનેટ દ્વારા પોતાના અંગ બીજામાં રોપાઈ જાય છે. ઓર્ગન ડોનેટ કરી બીજામાં રોપાઈ જાઓ અને જીવતા રહો. આપણી ઈચ્છા મુજબ આ કામ થઇ શકે છે. મૃત્યુ બાદ પણ સૃષ્ટિને જોવી છે અને માણવી છે તો એ માત્ર આંખોના દાનથી શક્ય થઇ શકે છે. લોકો સ્વૈચ્છિક રીતે ઓર્ગન ડોનેટ કરવા આગળ આવે એ સમયની માંગ છે. બીજાને મદદરૂપ થવું એ આપણો સ્વભાવ અને સંસ્કૃતિ છે. આથી તેમણે સમારોહમાં હાજર સૌને ઓર્ગન ડોનેટ કરવા માટે અપીલ કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સુરત કે ગુજરાતથી લોકો આવે છે ત્યારે ડોનેટ લાઈફના માધ્યમથી નિલેશભાઈ દ્વારા ઓર્ગન ડોનેટનું ઘણું સારું કામ થયું રહ્યું છે તેની ચર્ચા થતી હોય છે. આજે નિલેશભાઈને મળીને ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવી રહેલા ઈશ્વરીય કાર્ય વિષે રૂબરૂ જાણવા અને સમજવા મળ્યું હતું.
ભારતના કેન્દ્રીય ટેક્સટાઈલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ૨૦૦૬થી અંગદાનની પ્રવૃત્તિથી ડોનેટ લાઈફે શહેરમાં આગવું સ્થાન ઉભું કર્યું છે. અંગદાતાઓના સન્માન માટે બનાવેલ WALL OF FAME – A TRIBUTE TO ORGAN DONORS ને જાહેર જગ્યામાં લગાડવામાં આવે, જેથી કરીને અન્ય લોકો પણ અંગદાન કરવા માટે પ્રેરાઈ શકે.
સુરતના અગ્રણી ઉદ્યોગકાર શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, મને પણ લિવરનું દાન મળ્યું હોવાથી આજે તમારી સામે ઉભો છું. ડોનેટ લાઈફ દ્વારા અંગદાન માટે જે અવેરનેસ ફેલાવવાનું કાર્ય થઇ રહ્યું છે તેને કારણે મને લિવરનું દાન મળ્યું હતું. આથી તેમણે બધાને ઓર્ગન ડોનેટ કરવા માટે અપીલ કરી હતી.
આ સમારોહમાં વર્ષ ૨૦૦૬ માં સુરતમાં સૌપ્રથમ વખત બ્રેઈનડેડ જાહેર કરનાર ન્યુરોસર્જન ડો. અશોક પટેલ તથા સૌપ્રથમ વખત ગુજરાતમાં સુરતમાંથી જેમના હૃદયનું દાન થયું હતું એવા સ્વ. જગદીશભાઈ પટેલના ધર્મપત્ની રેખાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફની પ્રવૃત્તિને સહકાર આપનારા રાજુભાઈ ડોકાનીયા અને વિકાસ સહારીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ‘અંગદાન કરલે રે માનવ’ ગીતના સ્વપ્ન દ્રષ્ટા ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલા છે. ગીતની રચના જાણીતી ગીતકાર અને કવયિત્રી યશોદા સોલંકીએ કરી છે. આ ગીતને સ્વર દેશના જાણીતા પ્લેબેક સિંગર પદ્મ ભૂષણ ઉદિત નારાયણે આપ્યા છે. જ્યારે મ્યુઝીક ડાયરેક્ટર તન્મય પાહવાએ આ ગીતને મ્યુઝીક આપ્યું છે. લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા આપતા આ ગીતને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યું હતું.
દેશમાં સૌપ્રથમ વખત અંગદાતા પરિવારના સન્માન માટે WALL OF FAME – A TRIBUTE TO ORGAN DONORS નું કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી જાન્યુઆરી- ૨૦૦૬ થી આજદિન સુધી જે વ્યક્તિઓના અંગદાન થયા એવા અંગદાતાઓના નામ તારીખ સાથે લખવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ થયા હોય તેવા અંગદાનની નોંધ.
- જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતનું સૌપ્રથમ ઇન્ટરસિટી કિડનીનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
- ફેબ્રુઆરી ૨૦૦૬ માં ગુજરાતનું સૌપ્રથમ આંતર રાજ્ય લિવરનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું. આ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
- ઓગસ્ટ ૨૦૧૩ માં ગુજરાતનું સૌપ્રથમ સ્વાદુપિંડનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
- ડીસેમ્બર ૨૦૧૫ માં ગુજરાતમાંથી સૌપ્રથમ હૃદયનું દાન સુરતથી કરાવવામાં આવ્યું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ભારતમાં આંતર રાજ્ય હૃદયના દાન અને ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.
- એપ્રિલ ૨૦૧૬ માં ગુજરાતમાંથી સૌપ્રથમ વખત હાડકાનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
- સપ્ટેમ્બર ૨૦૧૭ માં સોમનાથ સુનિલ શાહ નામના ૧૪ મહિનાના બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં સાડા ત્રણ વર્ષની બાળકીમાં કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી નાની ઉમરના બાળકના અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.
- મે ૨૦૧૯ માં ગુજરાતમાંથી સૌપ્રથમ વખત ફેફસાનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
- ડિસેમ્બર ૨૦૨૦ માં સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષ બાળકના અંગોનું દાન કરાવવામાં આવ્યું હતું. સૌથી નાની ઉમરના બાળકના મલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના હતી.
- ઓગસ્ટ ૨૦૨૧ માં ગુજરાતમાં સૌપ્રથમ વખત ૧૮ વર્ષીય બે બ્રેઈનડેડ યુવાનોના એક જ દિવસે એક જ હોસ્પિટલમાંથી ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું હતું.
- ઓક્ટોબર ૨૦૨૧ માં દેશમાં સૌપ્રથમ વખત સૌથી નાની ઉંમરના એટલે કે ૧૪ વર્ષના કિશોરના બંને હાથનું દાન કરાવવામાં આવ્યું હતું.
- દેશમાં અત્યાર સુધી ૨૧ જોડ હાથના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૦૨ જોડ હાથના દાન સુરતથી કરાવવામાં આવ્યા છે.
- સુરતથી દાન કરાયેલા હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુ.એ.ઈ, યુક્રેન, રશિયા અને સુદાનના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે.