Republic News India Gujarati
નેશનલ

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી – મદાર પટ્ટો રાષ્ટ્રને સમર્પિત કર્યો


ડબલ સ્ટેક કન્ટેઇનર ટ્રેનના શુભારંભ સાથે ભારત આવી સુવિધા ધરાવતા દુનિયાના દેશોમાં સામેલ થયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના 306 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેવાડી – મદાર પટ્ટો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તેમણે આ રુટ પર ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલો, આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓ શ્રી પિયૂષ ગોયલ, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી કૈલાશ ચૌધરી, શ્રી રાવ ઇન્દરજિત સિંહ, શ્રી રતનલાલ કટારિયા, શ્રી ક્રિષ્નપાલ ગુર્જર ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશની માળખાગત સુવિધાઓને આધુનિક સ્વરૂપ આપવાનાં મહાયજ્ઞએ નવો વેગ પકડ્યો છે. તેમણે સરકારે હાથ ધરેલી છેલ્લાં 12 દિવસની દેશને આધુનિકીકરણ કરવા માટેની પહેલો ગણાવી હતી, જેમ કે ખેડૂતોને ડીબીટી, એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ મોબિલિટી કાર્ડની શરૂઆત, એઈમ્સ રાજકોટનો શિલાન્યાસ, આઇઆઇએમ સમ્બલપુરનું ઉદ્ઘાટન, 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય દેશને અર્પણ કરવું, નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટાન્ડર્ડ્ઝ લેબોરેટરી, કોચી-મેંગલોર ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન, ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પટ્ટા, 100મી કિસાન રેલનું ઉદ્ઘાટન. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના આ કાળ દરમિયાન દેશને આધુનિક ઓપ આપવા માટે ઘણા શિલાન્યાસ કે ઉદ્ઘાટન થયા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, થોડા દિવસ અગાઉ કોરોના સામે લડવા ભારતમાં બનેલી રસીને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દેશવાસીઓને નવો આત્મવિશ્વાસ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, 21મી સદીમાં ભારત માટે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને પરિવર્તનકારક ગણવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ન્યૂ ભૌપુર – ન્યૂ ખુર્જા પટ્ટા શરૂ થવાથી એ ખાસ પટ્ટામાં સરેરાશ ઝડપ વધીને લગભગ ત્રણ ગણી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણામાં ન્યૂ અટેલીથી રાજસ્થાનમાં ન્યૂ કિસનગંજ સુધી પ્રથમ ડબલ સ્ટેક કન્ટેઇનર ફ્રેઇટ ટ્રેનના શુભારંભ સાથે ભારત દુનિયાના આ પ્રકારની સુવિધા ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. તેમણે આ ગર્વ કરવા જેવી સફળતા માટે ઇજનેરો અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દરેક માટે નવી તકો અને નવી આશાઓ ઊભી કરશે, ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ માટે. તેમણે કહ્યું હતું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર આધુનિક ફ્રેઇટ ટ્રેનો માટે રુટ હોવાની સાથે દેશના ઝડપી વિકાસ માટે કોરિડોર પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોરિડોર નવા વૃદ્ધિ કેન્દ્રોના વિકાસનો પાયો બનશે અને દેશના વિવિધ શહેરોમાં વૃદ્ધિનાં પોઇન્ટ બનશે.


પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇસ્ટર્ન ફ્રેઇટ કોરિડોરએ એ દર્શાવવાની શરૂઆત પણ કરી છે કે, તેઓ કેવી રીતે દેશના વિવિધ વિસ્તારોની ક્ષમતા વધારી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, વેસ્ટર્ન ફ્રેઇટ કોરિડોર હરિયાણા અને રાજસ્થાનમાં કૃષિ અને સંલગ્ન વ્યવસાયોને સરળ બનાવશે તથા મહેન્દ્રગઢ, જયપુર, અજમેર અને સિકર જેવા શહેરોમાં નવી ઊર્જાનો સંચાર પણ કરશે. આ રાજ્યોના ઉત્પાદન એકમો અને ઉદ્યોગસાહસિકો માટે ઓછા ખર્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોની ઝડપી સુલભતા ઊભી થઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો સુધીનું ઝડપી અને સસ્તું જોડાણ વિસ્તારમાં રોકાણની નવી તકોને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધુનિક માળખાગત સુવિધાઓની રચનાથી જીવનમાં નવી વ્યવસ્થાને પણ વેગ મળશે અને એની સાથે જોડાયેલા વિવિધ કાર્યોમાં ઝડપ આવવાની સાથે અર્થતંત્રના કેટલાંક એન્જિનોને વેગ આપશે. તેમણે ઉમેર્યું હતું કે, કોરિડોરથી નિર્માણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી થવાની સાથે સિમેન્ટ, સ્ટીલ અને પરિવહન જેવા અન્ય ક્ષેત્રોને પણ વેગ મળે છે. પ્રધાનમંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના લાભ પર સમજાવતાં કહ્યું હતું કે, આ કોરિડોર 9 રાજ્યોમાં 133 રેલવે સ્ટેશનોને આવરી લેશે. આ સ્ટેશનો પર મલ્ટિ મોડલ લોજિસ્ટિક પાર્ક્સ, ફ્રેઇટ ટર્મિનલ, કન્ટેઇનર ડેપો, કન્ટેઇનર ટર્મિનલ, પાર્સલ કેન્દ્ર હશે. આ તમામ ખેડૂતો, નાનાં ઉદ્યોગો, કુટિર ઉદ્યોગો અને મોટા ઉત્પાદકોને લાભદાયક પુરવાર થશે.
પ્રધાનમંત્રીએ રેલવે ટ્રેકની પરિભાષાનો ઉપયોગ કરતાં કહ્યું હતું કે, અત્યારે ભારત માળખાગત સુવિધાના ક્ષેત્રમાં એકસાથે બે ટ્રેક પર સવાર છે. વ્યક્તિગત અને દેશની એમ બંનેની વૃદ્ધિ. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, મકાન, સાફસફાઈ, વીજળી, એલપીજી, માર્ગ અને ઇન્ટનેટ જોડાણમાં સુધારાથી વ્યક્તિની વૃદ્ધિને વેગ મળશે અને એને વિકાસની તકો મળશે. કરોડો ભારતીયો આ પ્રકારની ઘણી યોજનાઓનો લાભ લઈ રહ્યાં છે. બીજી તરફ, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકો જેવા વૃદ્ધિ એન્જિનને રાજમાર્ગો, રેલવે, હવાઈ માર્ગો, જળમાર્ગો અને મલ્ટિ-મોડલ પોર્ટ જોડાણના ઝડપી અમલીકરણથી લાભ થઈ રહ્યો છે. ફ્રેઇટ કોરિડોરની જેમ આર્થિક કોરિડોર, સંરક્ષણ કોરિડોર, ટેક ક્લસ્ટર્સ ઉદ્યોગને પ્રદાન કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આ વ્યક્તિગત અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ ભારતની છાપ સકારાત્મક ઊભી કરી રહ્યાં છે, જે વિદેશી હૂંડિયામણમાં વધારામાં અને ભારતની આર્થિક વૃદ્ધિ વિશ્વાસમાં પ્રતિબિંબિત થાય છે.


પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટમાં ટેકનિકલ અને નાણાકીય ટેકો પ્રદાન કરવા બદલ જાપાનના લોકોનો પણ આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે વ્યક્તિગત, ઔદ્યોગિક અને રોકાણ વચ્ચે સંકલન પર ભાર મૂક્યો હતો. અગાઉના ગાળામાં પેસેન્જરોની ચિંતાને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છતા, સમયસરતા, સારી સેવા, ટિકિટિંગ, સુવિધાઓ અને સુરક્ષાના ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. તેમણે સ્ટેશનો અને કમ્પાર્ટમેન્ટની સ્વચ્છતા, બાયોડિગ્રેડેબલ શૌચાલયો, કેટરિંગ, આધુનિક ટિકિટિંગ તથા તેજસ કે વંદે ભારત એક્સપ્રેસ, વિસ્ટા-ડોમ કોચ જેવી મોડલ ટ્રેનોના ઉદાહરણો આપ્યા હતા. તેમણે બ્રોડ ગેજિંગ અને ઇલેક્ટ્રિફિકેશનમાં અભૂતપૂર્વ રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે રેલવેની તકો અને ઝડપમાં વધારા તરફ દોરી જશે. તેમણે સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો, ટ્રેક્સ પાથરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વિશે વાત કરી હતી તેમજ આશા વ્યક્ત કરી હતી કે, પૂર્વ ભારતનાં દરેક રાજ્યની રાજધાની રેલવે સાથે જોડાશે.
પ્રધાનમંત્રીએ કોરોનાના ગાળા દરમિયાન રેલવેનાં અભૂતપૂર્વ પ્રદાનને યાદ કર્યું હતું અને શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે એની પ્રશંસા કરી હતી.-PIB


Related posts

પીએમ મોદીનું નવું મિશન, 1000 કરોડ રૂપિયાનું બનાવાશે વેન્ચર કેપિટલ ફંડ, ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે

Rupesh Dharmik

આઈએનએસ ખુકરી દેશની 32 વર્ષની શાનદાર સેવા પછી સેવામુક્ત

Rupesh Dharmik

પ્રધાનમંત્રીએ પીએમ-કિસાન યોજના હેઠળ આર્થિક લાભનો આઠમો હપ્તો જારી કર્યો

Rupesh Dharmik

સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છે: ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકયા નાયડુ

Rupesh Dharmik

પ્રધાનમંત્રી વતી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચાદર ચઢાવી

Rupesh Dharmik

પ્રધાનમંત્રીએ ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો

Rupesh Dharmik

Leave a Comment