સુરતઃ કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ ૮૦ વર્ષીય દોલતરામ મગનભાઇ નાયકે કોરોનાને ૧૧ દિવસમાં પરાસ્ત કર્યો છે.
૮૦ વર્ષીય વયોવૃદ્ધ નિવૃત શિક્ષક દોલતરામ નાયક મૂળ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુંવા ગામના મંદિર ફળિયામાં પરિવાર સાથે રહે છે. છેલ્લાં ૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવે છે. તેઓને તા.૨ જાન્યુઆરીએ તાવ, શરદી ખાંસીના લક્ષણો સાથે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં નવી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સમયસર દવા, ઇન્જેક્શન, ઉકાળા જેવી સારવારથી તેમની તંદુરસ્તીમાં ઘણો સુધારો થયો અને સ્વસ્થ થઈ કોરોનામુક્ત બન્યાં છે.
દોલતરામ નાયકે પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે, કોરોના હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાનો ખુબ ડર લાગતો હતો, પરંતુ મારા જમાઈ નવી સિવિલ આરએમઓ ડો.કેતનભાઇ નાયકની વાત માની તા.૦૨ જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ થયો, જ્યાં તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓની સેવાનો સાક્ષી બન્યો છું, નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા તમામ કર્મચારીઓની કામગીરી અને પ્રેમ જોઈ હોસ્પિટલ મારા બીજા ઘર સમાન લાગતી હતી. સમયસર ભોજન, ગરમ દુધ, નાસ્તો, બિસ્કિટ વગેરે ઉપરાંત ઉકાળો પણ આપવામાં આવતો હતો. હોસ્પિટલ સ્ટાફ પરિવારના સદસ્યની જેમ કાળજી રાખતા હતા.
આર.એમ.ઓ કેતન નાયક કહે છે કે, ‘દોલતરામ નાયકને તાવ આવતા પીએસી સેન્ટર રાનકુંવા ખાતે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલમાં કોરોના સાથે અન્ય બે બિમારી ડાયાબિટીસ, બ્લડપ્રેશરની પણ સારવાર કરવામાં આવી હતી. સરકારની ગાઇડલાઇન પ્રમાણે રેમડેસિવિર પણ આપવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય બિમારીને ધ્યાનમાં રાખી ભોજન આપવામાં આવતું હતું. સિવિલના તબીબોની મહેનતથી તેઓએ કોરોનાસામેનો જંગ જીત્યા છે. ૧૧ દિવસની સારવાર બાદ તા.૧૨ જાન્યુઆરીના રોજ એમની તબિયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી હતી.