SGCCI અને આઇ હબના સંયુકત ઉપક્રમે નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સુરતના ટોપ પાંચ ઇન્કયુબેટર્સ સાથે પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં ટાઇ સુરતના સંજય પંજાબી, એસવીએનઆઇટી અશાઇનના સીઇઓ કલ્પ ભટ્ટ, સુરતી આઇલેબ ફાઉન્ડેશનના તેજેશ પટેલ અને જીઆઇએસસીના પંચમ બારૈયાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
ઇન્કયુબેટર્સ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને જણાવવામાં આવ્યું હતું કે, સુરતમાં ટ્રેડીશનલ બિઝનેસનું ચલણ હતું પણ હવે ટ્રેડીશનલ બિઝનેસમાં પણ સ્પર્ધા વધી ગઇ છે. આથી વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલા બિઝનેસને આગળ નવી દિશા તરફ લઇ જવા માટે નવી પેઢીએ માઇન્ડ સેટ બદલવું પડશે. નવી પેઢી ફેમિલી બિઝનેસની સાથે સ્ટાર્ટઅપ કરી રહી છે તે પણ મહત્વની બાબત છે. એમાં પણ બે – ત્રણ ભૂલો કરીને ઉભા થયેલા સ્ટાર્ટઅપ સફળ થઇ રહયા છે.
વિદ્યાર્થીઓને શરૂઆતથી લઇને માસ્ટર ડીગ્રી સુધી સારા માર્કસ માત્ર સારી નોકરી મેળવવા માટે જ લાવવાના છે તેવી બાબત તેમના મગજમાં ઉતારી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી ઉદ્યોગ સાહસિકતા પહેલાથી જ મારી નાંખવામાં આવે છે. આથી સુરત શહેરમાં એક ઇનીશીએટીવ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે પ્રેરિત કરવામાં આવી રહયાં છે.
નોકરી નથી કરવી પણ બિઝનેસ માટે નવા આઇડીયા ક્રિએટ કરવાના છે એવી ઇકો સિસ્ટમ સુરતમાં ડેવલપ કરવી પડશે. સમાજમાં કે દેશમાં જે સમસ્યા ઉભી થઇ રહી છે તેને સમજીને તેના નિરાકરણ માટે વિચારવામાં આવશે તો નવા આઇડીયા ક્રિએટ થશે અને તેનાથી સ્ટાર્ટઅપ શરૂ કરી શકીશું. જો કે, એના માટે સ્ટ્રગલ કરવાની તૈયારી રાખવી પડશે અને ફેલ થવાની પણ માનસિકતા કેળવવી પડશે. તેમણે કહયું કે અત્યારે જે આઇડીયા વિશે સ્ટાર્ટઅપ માટે વિચારતા હોવ તેની બે વર્ષ બાદ જરૂરિયાત રહેશે નહીં.
બીજા સેશનમાં સકસેસફુલ સુરતી સ્ટાર્ટઅપ દ્વારા તેઓની સફળ ગાથા રજૂ કરવામાં આવી હતી. જેમાં ઉષ્મા દેસાઇ, સુનિતા નંદવાણી, સોનલ રોચાની, પૂર્વી પચ્ચીગર અને વનિતા રાવતે પોતાની સ્ટાર્ટઅપ તરીકેની સફર કેવી રહી હતી? તે વિશે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. આ સેશનમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંબંધિત વિવિધ પ્રશ્નો તથા તેના નિરાકરણ વિશે પણ વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવી હતી.
આ સેશનમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. મોડરેટર તરીકે આઇ હબ સુરતના પ્રોજેકટ મેનેજર તૃષ્ણા યાજ્ઞિકે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતે ચેમ્બરની ઇનોવેશન સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.