સિવિલના ચીફ સિક્યુરીટી ઓફિસર હરેન ગાંધીને ‘સ્ટાર એમ્પ્લોયી ઓફ ધી યર’નો એવોર્ડ એનાયત
કોરોનાકાળમાં જીવની પરવા કર્યા વગર નિ:સ્વાર્થભાવે સેવા બજાવનારા સિવિલના કોરોના યોદ્ધાઓનું સન્માન
સુરત: કોરોનાની કપરી પરિસ્થિતિમાં શહેરીજનોના સ્વાસ્થ્યની કાળજી લઈ જીવની પરવા કર્યા વગર સુરત સિવિલના તબીબો, નર્સો, સફાઈ કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડસએ રાતદિવસ નિ:સ્વાર્થભાવે સારવાર-સેવા આપી છે. નવી સિવિલના આ તમામ કોરોના વોરિયર્સનું નવી સિવિલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. સિવિલના ચીફ સિક્યુરીટી ઓફિસર હરેન ગાંધીને ‘સ્ટાર એમ્પ્લોયી ઓફ ધી યર’નો એવોર્ડ એનાયત કરાયો હતો, સાથોસાથ રોડ સેફ્ટી એકેડેમી દ્વારા પણ સિક્યુરીટી સ્ટાફને એવોર્ડ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, ‘તબીબો, નર્સો, સફાઈ કર્મચારીઓ, સિક્યુરીટી સ્ટાફની સહિયારી મહેનતથી કોરોના સામેના જંગમાં સફળતા મળી રહી છે. સવિલના સ્ટાફે સેંકડો દર્દીઓને પોતાના પરિવારજન માની સેવા કરી સાજા કર્યા છે, અને લોકોમાં આગવો વિશ્વાસ જગાવ્યો છે.’
શ્રી ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘જ્યારે પણ કોરોના દર્દીના પરિવારને અથવા દર્દીને કોઇ પણ સમસ્યા કે જરૂરત પડી છે, ત્યારે સિવિલના સિક્યુરીટી ગાર્ડના જવાનોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. કોઇ દર્દીને ઇમરજન્સી રક્તની જરૂર હોય ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દર્દીને રક્ત આપ્યું છે. સિવિલમાં આગ જેવી આકસ્મિક ઘટના બનતી અટકાવવા સિક્યુરીટી ગાર્ડસે ખડેપગે સેવા આપી છે. આવા જવાનોને એમ્પ્લોયી ઓફ ધી યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય જવાનોને પ્રમાણપત્ર આપી ઉત્સાહ વધાર્યો છે. કોરોનાની શરૂઆતમાં ઓછી સુવિધામાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની મહેનતથી દરેક દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાઈ છે. સિવિલમાં તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનીએ તેટલો ઓછો હોવાનું તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.