Republic News India Gujarati
સુરત

કોવિડ પોઝિટીવ તેમજ કોરોના શંકાસ્પદ મતદાર પણ મતદાન કરી શકે છે


કોવિડ પોઝિટીવ દર્દી મેડીકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે વાહન અથવા એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને મતદાન કરી શકે છે

કોરોના શંકાસ્પદ મતદારે મતદાનના ૪૮ કલાક પહેલાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે

સૂરત: ભારતનો યુવા નાગરિક ૧૮ વર્ષનો થાય એટલે એને મળતા અધિકારોમાં દેશ પ્રત્યે જવાબદારી અને ફરજ નિભાવવાનો અધિકાર એટલે મતાધિકાર. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં મતદાન એ આપણો સૌનો અબાધિત અધિકાર છે. લોકશાહીનું પાવન પર્વ એટલે ચૂંટણીપર્વ એમ કહેવાય છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૧નું આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે.

કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.પિયુષ શાહે જણાવ્યું હતું કે, કોરોના પોઝીટીવ દર્દી તેમજ કોરોના શંકાસ્પદ મતદાર કે જે હોસ્પિટલમાં દાખલ અથવા હોમ આઇસોલેશનમાં હોય તે પણ મતદાન કરી શકશે. આવા બંને પ્રકારના મતદારોએ મતદાનના એક દિવસ અગાઉ સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી (આર.ઓ.) અને સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. તેઓએ મતદાનના છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે આવવાનું રહેશે.
ડો.પિયુષ શાહે કહ્યું કે, કોરોના શંકાસ્પદ મતદારે કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદાનના બે દિવસ પહેલાં (૪૮ કલાક)માં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના રિપોર્ટ અંગે ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જે મતદાર સો ટકા નેગેટીવ હોય, પરંતુ કોવિડ-૧૯ ના લક્ષણો ધરાવતા હોય, અને મતદાન કરવા માંગતા હોય તો તેમણે સ્વખર્ચે પોતાના માસ્ક, ફેસશીલ્ડ અને પ્લાસ્ટીક ગ્લોવ્ઝ પહેરીને મતદાન કરવાનું રહેશે.

કોરોનાગ્રસ્ત દર્દી દ્વારા કેવી રીતે મતદાન કરી શકાય એ અંગે ડો.શાહે જણાવ્યું કે, કોવિડ-૧૯ પોઝીટીવ વ્યક્તિ જેઓ હોસ્પિટલ અથવા હોમ આઇસોલેશનમાં હોય તેઓ પોતાની જવાબદારી ઉપર મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. આવા મતદારે સૌપ્રથમ તબીબી પ્રમાણપત્ર મતદાનના દિવસે જ એમ.બી.બી.એસ. કે તેથી વધુ લાયકાત ધરાવતા સરકારી કે સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મુજબ જેઓ સ્વસ્થ છે તેઓ મતદાન મથકે મતદાન માટે જઈ શકે છે. તબીબી પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે મેડીકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે વાહન અથવા એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે. પી.પી.ઈ.કીટ તબીબી અધિકારી દ્વારા આપેલ સૂચના મુજબ જ પહેરવી અને કીટ પહેરવાની તાલીમ તબીબી પ્રમાણપત્ર આપનાર અધિકારી પાસેથી મેળવવી જરૂરી છે.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment