ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન તથા નવી સિવિલ હોસ્પિટલ, સુરત અને પરમ હોસ્પિટલ (ઓર્થોપેડિક)ના સહકારથી કીમ ચાર રસ્તા ખાતે સંજાર સ્કવેરના બીજા માળે ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ, ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલા, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના મંત્રી પ્રવિણ ડોન્ગા, ફેરડીલના ધીરુભાઇ શાહ, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, પરમ હોસ્પિટલના ડાયરેકટર તેમજ ઓર્થોપેડીક સર્જન ડો. ભરત સુતરીયા, કિરણ ઠુમ્મર, કિશોર ભાદાણી, સંજય દેસાઈ તથા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ વગેરે ઉપસ્થિત રહયા હતા.
નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરમાં ૧૬૮ કારીગરો તથા માંગરોળ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ તેઓને દવા પણ આપવામાં આવી હતી. સાથે સાથે લોકસમર્પણ રકતદાન કેન્દ્રની મદદથી રકતદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં પ૮ યુનિટ બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ઓર્થોપેડિક ડો. ભરત સુતરીયા, ડો. જશવંત સુથાર, ફિઝીશ્યન ડો. ચંદ્રેશ વડોદરીયા, ફિઝીયોથેરાપિસ્ટ ડો. અજય ઉપાધ્યાય, ચેસ્ટ ફિઝીશ્યન ડો. ચિંતન પટેલ, ડેન્ટીસ્ટ ડો. હિરેન પટેલ અને સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો. રાધિકાએ સેવા આપી હતી.