સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘રોગચાળાના ભય વચ્ચે નવો વ્યવસાય વિકસાવવા તેમજ વર્તમાન વ્યાપારને વધારવા માટેના પ અગત્યના અભિગમો’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સર્ટિફાઇડ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જગત શાહે ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
જગત શાહે નોલેજ ઇકોનોમી, ઇકો ફ્રેન્ડલી, યુથ ગ્રીવન ઇકોનોમી, ડિજીટલ ઇકોનોમી અને વર્ક ફ્રોમ એનીવેર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ ઉદ્યોગને કે વ્યાપારને ઉચાઇ સુધી પહોંચાડવા માટે આ પાંચ અભિગમો ખૂબ જ જરૂરી છે. આ પાંચ પ્રિન્સીપલને બિઝનેસમાં જોડાશે તો બિઝનેસ આગળ વધી શકશે. ઇનોવેશન માત્ર પાંચ ટકા હોય છે. તમે કામ કરવાની પદ્ધતિમાં નવિનતા લાવો એટલે ઇનોવેશન થઇ શકે છે. જે કોઇ જ નહીં કરે તે તમે કરો તો ઇનોવેશન થઇ જાય છે. તેમણે કહયું કે, રોગચાળો હોય કે ન હોય પણ આ પાંચ અભિગમોથી વ્યાપારને વિકસાવી શકાય છે.
હાયર ફોર એટીટયુટ વિશે તેમણે કહયું હતું કે, બિઝનેસમાં અથવા કંપનીઓમાં નોકરી માટે ફ્રેશર્સ વિદ્યાર્થીઓને નોકરી રાખીને તેઓને તક આપવી જોઇએ. ભારતમાં શિક્ષણ વ્યવસ્થા એ પ્રકારની છે કે તેને કારણે વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપ થતી નથી. આથી ફ્રેશર્સ વિદ્યાર્થીઓને નોકરીએ રાખીને તેઓને રોજ એક કલાક માટે ટ્રેઇન કરવું જોઇએ. તેઓને વિવિધ સ્કીલ શીખવાડી માર્કેટમાં પ્રોડકટની સેલ કરવા માટે દોડાવી શકાય છે. તેઓને ઓથોરિટી આપીને રિપોર્ટીંગ સિસ્ટમ પણ ડેવલપ કરવી પડશે. જેથી કરીને તમારો વિશ્વાસ કાયમ રહી શકે. તેમણે કહયું કે, ઉદ્યોગકારોએ તેમજ ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસ ચલાવવાની જરૂર નથી. તેઓને માત્ર બિઝનેસને ગ્રો કરવાની દિશામાં પ્રયાસ કરવાનો છે. અત્યારનું યુથ ડિજીટલી કનેકટ છે. આથી વિદ્યાર્થીઓને તમારા અનુભવો થકી બિઝનેસ ચલાવવા માટે પ્રેરણા આપો. બિઝનેસમાં આ રીતના અમલીકરણ કરવાથી તેમાં ચોકકસપણે ગ્રો કરી શકાય છે.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.