Republic News India Gujarati
ગુજરાતસુરત

સુરત ખાતે ‘ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર૭ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ’વિશે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT), નવી દિલ્હીના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને સતાવતા વિવિધ પ્રશ્નો તથા તેના નિરાકરણ માટે મહત્વની ચર્ચા કરી હતી. તેમણે ર જાન્યુઆરી ર૦ર૧ના રોજ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની ચેરમેન રીટા ટીઓટીયા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી ડો. હર્ષ વર્ધન સાથે મળનારી મહત્વની મિટીંગમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રશ્નોની ચર્ચા કરી ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પ્રવીણ ખંડેલવાલે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ ર૦૧૧માં ફૂડ સેફટી એકટ પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે બનેલા કાયદા પ્રમાણે ભારતમાં કામ કરવાની પદ્ધતિ એ વ્યવહારીક ન હોઇ CAIT દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરીણામે ભારત સરકાર દ્વારા આ કાયદો પાંચ વર્ષ સુધી પાછળ ઠાલવવામાં આવ્યો હતો. તેમણે કહયું કે, સરકાર કોઇપણ નવો કાયદા બનાવતી હોય ત્યારે તેનો ડ્રાફટ બહાર પાડી ૪પ દિવસ સુધી કોઇએ પણ એમાં ટીપ્પણી કરવી હોય તો તે અંગેનો મોકો આપવામાં આવે છે. પરંતુ વેપારીઓ સજાગ હોતા નથી અને સરકાર દ્વારા આપવામાં આવતા આ હકનો ઉપયોગ કરતા નથી. છેલ્લે કાયદો અમલમાં આવી ગયા બાદ તેમાં બદલાવ લાવવાની પહેલ ચાલુ કરે છે. આથી તેમણે વેપારીઓને અનુરોધ કર્યો હતો કે કોઇપણ નવો કાયદો બનતો હોય તો તેનો વેપારીઓએ અભ્યાસ કરવો જોઇએ અને કાયદામાં ધંધા–વ્યવસાયને પડતી તકલીફ અંગે જે તે એસોસીએશનને તાત્કાલિક ધોરણે લેખિતમાં જાણકારી આપવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે જે કઇપણ નવા કાયદા બની રહયાં છે એ સરકાર દ્વારા વિદેશી કંપનીઓના દબાણ હેઠળ બનાવવામાં આવી રહયા છે. તેને કારણે કાયદાની જોગવાઇઓ એવી હોય છે કે જેનો પ્રેકટીકલી અમલ કરવો ઘણો અઘરો હોય છે. જો કાયદા પ્રમાણે સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તો ભારત દેશમાં પ૦ ટકા જેટલા ખાદ્ય ખોરાક સાથે જોડાયેલા ઉદ્યોગો બંધ થઇ જશે. તેમણે કહયું કે, ખાદ્ય પદાર્થમાં એડલ્ટ્રેશન (ભેળસેળ) એ ભારતમાં સ્પેસિફીક જોવા મળે છે. પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાં આવું બનતું નથી. સરકાર દ્વારા નવા બનેલા કાયદામાંથી ‘એડલ્ટ્રેશન’નો શબ્દ કાઢી સ્ટાન્ડર્ડ અને સબ સ્ટાન્ડર્ડની કેટેગરી મુકવામાં આવી છે. એનો મતલબ એ થાય છે કે ભારત સરકાર દ્વારા ભેળસેળ કરેલા ખાદ્ય પદાર્થો વેચવાની કાયદાકીય છુટ આપવામાં આવી છે. આને કારણે ઇમાનદાર વેપારીઓને ઘણું મોટું નુકસાન થાય છે.

પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારતમાં કોઇપણ કાયદા બનાવતા પહેલા ગ્રામિણ વિસ્તારોમાં નાનામાં નાનો વેપારી તેનો અમલ કરી શકે કે કેમ? તેવી જમીની હકીકતને ધ્યાને લઇ કાયદા બનાવવા જોઇએ. હાલમાં બનેલા નવા FSSAIની નવી જોગવાઇઓ એટલી અઘરી છે કે નાના વેપારી જેવા કે લારીગલ્લાવાળા આ જોગવાઇનો અમલ કરી શકે નહીં. દા.ત. ખાદ્ય પદાર્થનું ટેમ્પરેચર મેઇન્ટેન કરવાનું તેમજ જે કોઇપણ વાહન ખાદ્ય પદાર્થની અવરજવર માટે ઉપયોગમાં લેવાય તેનો અન્ય કોઇપણ ચીજવસ્તુઓની અવરજવર માટે ઉપયોગ કરી શકાય નહીં. આવી ઘણી વિસંગતતાઓ નવા કાયદામાં આવેલી છે, જે ભારતની જમીની હકીકતની વિરુદ્ધ છે. આથી વેપારીઓએ આ બાબતોનો સમયસર વિરોધ કરી સરકારને રજૂઆત કરવી જોઇએ.

તેમણે ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા વેપારીઓને પ્રશ્નો આપવા માટે અનુરોધ કરતા વેપારીઓએ નીચે મુજબના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

– ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું રો મટીરીયલ સિઝનલ મળે છે. આથી તેનો નિભાવ ખર્ચ વધી જાય છે. વેપારીનું વર્કીંગ કેપીટલમાં રોકાણ અન્ય વેપાર કરતા આ વેપારમાં ચાર ગણું જેટલું વધારે હોય છે. પરંતુ બેન્કીંગ નિયમો બધા માટે જ એકસમાન છે. ખાદ્ય ખોરાકના વેપારીઓને વર્કીગ કેપીટલ માટે સરકાર દ્વારા નવી પોલિસી બહાર પાડવી જોઇએ.

– ફૂડ સેફટી એકટમાં રાજ્ય કક્ષાએ દંડ કરવાની જોગવાઇ છે પણ કેટલો દંડ કરવો તેના વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આને કારણે એક જ પ્રકારના ગુનામાં એક જ કંપનીને અમદાવાદ, સુરત અને રાજકોટમાં અલગ–અલગ દંડની રકમ ભરવાનો વારો આવે છે. આથી કાયદામાં સુધારા સાથે દંડની રકમ વિશે સ્પષ્ટીકરણ કરવામાં આવે.

– FSSAIનું લાયસન્સ એક વખત એકસપાયર થઇ ગયા બાદ રિન્યુઅલ કરતી વખતે લાયસન્સ નંબર બદલાઇ જાય છે. આથી તમામ પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોય છે. આવા સંજોગોમાં લાયસન્સ નંબર સેમ મળી રહે તેવી જોગવાઇ કરવી જોઇએ.

– સુરતમાં ફૂડ પાર્ક બનવો જોઇએ.

ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. CAIT, ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને CAIT, અમદાવાદના ચેરમેન મહેન્દ્ર શાહે પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરની ફૂડ પ્રોસેસિંગ કમિટીના ચેરમેન અતુલ વેકરીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

Leave a Comment