સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમના ભાગરૂપે દસ દિવસીય પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે પીયુષ વ્યાસે ‘પબ્લીક ફિયર’વિશે માહિતી આપી હતી.
પીયુષ વ્યાસે જણાવ્યું હતું કે, વકતવ્ય માટે દરેક વ્યકિત પાસે કન્ટેન્ટ હોય છે પણ તેઓ એકસપ્રેસ કરી શકતા નથી. એની પાછળનું કારણ છે કે પબ્લીક ફિયર. દરેક વ્યકિતમાં આ ફિયરને લઇને ઇન્ટરનલ વોર હોય છે. લોકોની માનસિકતા એવી છે કે હું બોલીશ તો લોકો શું વિચારશે? આથી લોકો વકતવ્યને તકની જગ્યાએ ડિફીકલ્ટી તરીકે લેતા હોય છે. લોકોની વચ્ચે ફેમસ થવાનું હોય છે ત્યારે જ તેઓ અટકી જાય છે. ડરને કારણે કેટલાકને મેમરી ઇશ્યુ ઉદ્ભવે છે. કેટલાક લોકો વધુ પડતી લોકોની ભીડ જોઇને જે બોલવાનું હોય તે જ ભૂલી જાય છે. કયારેક એવું બનતું હોય છે કે વ્યકિતને ઘણું બધું બોલવાનું હોય છે પણ શરૂઆત કયાંથી કરવી? તથા મહત્વની કઇ બાબતો રજૂ કરવી જોઇએ? તેનું નોલેજ તેમને હોતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પબ્લીક ફિયરને દૂર કરવા તેમજ સારું વકતવ્ય રજૂ કરવા માટે પ્રિપરેશન અને પ્રેકટીસ ખૂબ જ જરૂરી છે. અસરકારક વકતવ્ય રજૂ કરતા પહેલા કયા – કયા મુદ્દે બોલવાનું છે તેની પ્રિપરેશન અગત્યની છે. ત્યારબાદ પ્રેકિટસ પણ એટલી જ જરૂરી છે. સારા વકતા બનવા માટે પ્રિપરેશન, પ્રેકિટસ અને પ્રેઝન્ટેશન જેવા ત્રણ પાસા ખૂબ જ મહત્વના છે. કારણ કે આ ત્રણ બાબતોથી જ પબ્લીક ફિયર દૂર થઇ શકે છે. તેમણે વધુમાં કહયું કે જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં જ ડર હોય છે. વધારેમાં વધારે ખરાબ શું થશે? એવું વિચારવા માટે તૈયાર થવું પડશે. વકતા જ્યારે બિન્ધાસ્ત થઇને એનું વકતવ્ય રજૂ કરે છે ત્યારે જ તેનું કેરેકટર બહાર આવે છે. લોકોએ વકતવ્યને એન્જોય કરવું જોઇએ એના માટે વચ્ચે વચ્ચે વિનોદ વૃત્તિ પણ કરવાની હોય છે.