• અંદાજપત્રએ નવા કરવેરા અંગેની નિષ્ણાતોની પૂર્વધારણાઓનું ખંડન કરી દીધું છે: પ્રધાનમંત્રી
• અગાઉ, અંદાજપત્ર માત્ર મતબેન્કની ગણતરીઓની ખાતાવાહી જેવું હતું, હવે રાષ્ટ્રનો અભિગમ બદલાયો છે: પ્રધાનમંત્રી
• ખેડૂતોના સશક્તિકરણ માટે અંદાજપત્રમાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે: પ્રધાનમંત્રી
• આત્મનિર્ભરતા માટે પરિવર્તન એ તમામ સ્વાતંત્ર્ય સેનાઓને શ્રદ્ધાંજલિ છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરા ખાતે ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ દિવસ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી ‘ચૌરી-ચૌરા’ ની ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હોવાનું અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ચૌરી ચૌરા શતાબ્દી ઘટનાને સમર્પિત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
શહીદોને વંદન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચૌરી-ચૌરા ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાને દેશના સ્વતંત્રતાના સંગ્રામને નવી દિશા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૌરી ચૌરામાં 100 વર્ષ પહેલાં બનેલી આ ઘટના માત્ર એક વિરોધની આગ નહોતી પરંતુ ચૌરી-ચૌરાનો સંદેશો ઘણો વ્યાપક હતો. કયા સંજોગોમાં એ વિરોધની જ્વાળા ફેલાઇ હતી, કયા કારણો હતા તેનું પણ એટલું જ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે, એટલું જ મહત્વ હવે ચૌરી-ચૌરાની ઘટનાને આપણા દેશના ઇતિહાસમાં આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજથી પ્રારંભ કરીને, ચૌરી-ચૌરા સહિત તમામ ગામડાંઓમાં આખા વર્ષ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં આ ઘટના વખતે બલિદાન આપનારાઓ લોકોને યાદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દેશ સ્વતંત્રના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે તેવા સમયમાં આ પ્રકારની ઉજવણીઓ વધુ સાંદર્ભિક બની જશે. તેમણે ચૌરી-ચૌરામાં શહીદી વહોરનારાઓના બલિદાન અંગે ચર્ચાનો અભાવ હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઇતિહાસના પાનાઓ પર શહીદોને કદાચ પ્રાધાન્યતા આપવામાં ના આવી હોય પરંતુ સ્વતંત્રતા માટે તેમણે વહાવેલું પોતાનું રક્ત દેશની માટીમાં ચોક્કસપણે સમાયેલું છે.
પ્રધાનમંત્રીએ લોકોને બાબા રાઘવદાસ અને મહામના મદન મોહન માલવિયાના પ્રયાસોને યાદ કરવા માટે અનુરોધ કર્યો હતો, જેના કારણે અંદાજે 150 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓને આ વિશેષ દિવસે ફાંસીના ગાળિયાથી બચાવી શકાયા હતા. તેમણે એ બાબતે પણ ખુશી વ્યક્ત કરી હતી કે, આ અભિયાનમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા જેનાથી સ્વતંત્રતાના સંગ્રામના સંખ્યાબંધ વણકહ્યા પરિબળો અંગે જાગૃતિમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલયે સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સ્વતંત્રતાના સંગ્રામના જે નાયકોને લોકો નથી જાણતા તેમને દર્શાવતું પુસ્તક લખવા માટે યુવાન લેખકોને આમંત્રિત કર્યા છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિરૂપે સ્થાનિક કળા અને સંસ્કૃતિને સાંકળવા માટે ઉત્તરપ્રદેશની સરકારે કરેલા પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુલામીની બેડીઓ તોડનારી સહિયારી તાકાત ભવિષ્યમાં પણ ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સત્તા બનાવશે. એકતાની આ તાકાત જ આત્મનિર્ભર ભારત અભિયાનનો પાયો છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન ભારતે 150થી વધારે દેશોના લોકોને મદદરૂપ થવા માટે તેમને દવાઓ પહોંચાડી હતી. માનવજાતને બચાવવાના ઉદ્દેશ સાથે ભારત કેટલાક દેશોને રસીનો પૂરવઠો પહોંચાડી રહ્યું છે જેથી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ગૌરવ થાય.
તાજતેરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર મહામારીના કારણે આપણી સમક્ષ ઉભા થયેલા પડકારોને પહોંચી વળવાના પ્રયાસોને નવો વેગ આપશે. તેમણે ઉમેર્યું હતું કે, આ અંદાજપત્રએ સામાન્ય જનતા પર કરવેરાનો નવો બોજ નાંખવામાં આવશે તેવી નિષ્ણાંતોની પૂર્વધારણાઓનું ખંડન કર્યું છે. સરકારે દેશના ઝડપી વિકાસમાં વધુને વધુ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ ખર્ચ માર્ગો, પુલો, રેલવે લાઇનો, નવી ટ્રેનો અને બસો તેમજ બજારો અને મંડીઓ સાથે કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે. આ અંદાજપત્રએ બહેતર શિક્ષણ અને યુવાનો માટે બહેતર તકોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આ પ્રવૃત્તિઓના કારણે લાખો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી શકાશે. અગાઉ, અંદાજપત્ર મતલબ, ક્યારેય પૂરીના થઇ શકે તેવી યોજનાઓની જાહેરાતો તરીકે ગણાતું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અગાઉ, અંદાજપત્ર મતબેન્કની ગણતરીઓની ખાતાવહીમાં બદલાઇ ગયું હતું… હવે રાષ્ટ્રમાં નવું પાનું ફેરવાયું છે અને રાષ્ટ્રએ પોતાનો અભિગમ બદલ્યો છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીને નિયંત્રણમાં લેવા માટે ભારતે કરેલી કામગીરીની સાર્વત્રિક પ્રશંસા પછી, દેશ હવે ગામડાઓ અને નાના શહેરોમાં તબીબી સુવિધાઓ વધુ મજબૂત કરવાની દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવતી નાણાકીય ફાળવણીમાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. પરીક્ષણની અદ્યતન સુવિધાઓ જિલ્લા સ્તરે વિકસાવવામાં આવી રહી છે.
ખેડૂતોને દેશની પ્રગતિનો મૂળાધાર ગણાવતા શ્રી મોદીએ છેલ્લા 6 વર્ષમાં ખેડૂતો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને રેખાંકિત કર્યા હતા. મહામારીના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ છતાં પણ, ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કર્યું છે. ખેડૂતોના સશક્તિકરણ માટે અંદાજપત્રમાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. એક હજાર મંડીને e-NAM સાથે જોડી દેવામાં આવી છે જેથી ખેડૂતો પોતાની ઉપજ ખૂબ જ સરળતાથી વેચી શકે.
ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ વધારીને રૂપિયા 40 હજાર કરોડ કરવામાં આવ્યું છે. આ પગલાંથી ખેડૂતો આત્મનિર્ભર થઇ શકશે અને કૃષિ ક્ષેત્ર વધુ વળતર આપનારું બની જશે. સ્વામીત્વ યોજના ગામડાના લોકોને તેમની જમીન અને રહેઠાણોની માલિકીનો દસ્તાવેજ આપશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યોગ્ય દસ્તાવેજો ઉપલબ્ધ હોવાથી તેઓ મિલકતનો બહેતર ભાવ મેળવી શકશે અને બેન્કમાંથી ધિરાણ મેળવવામાં તેમજ મિલકતો પચાવી પાડનારાઓ સામે સલામતી મેળવવામાં પણ તેમને મદદ મળી રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ તમામ પગલાંઓથી ગોરખપુરને પણ ફાયદો થશે, જે મિલોના બંધ થવાથી, ખરાબ રસ્તાઓ અને બિસ્માર હોસ્પિટલોના કારણે પીડાઇ રહ્યું છે તેમાંથી મુક્તિ મળશે. હવે સ્થાનિક ખાતરની ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવી છે જેનાથી સ્થાનિક ખેડૂતો અને યુવાનોને ફાયદો થશે. આ શહેરને હવે એઇમ્સ મળી રહી છે. મેડિકલ કોલેજના પ્રારંભથી હજારો બાળકોના જીવ બચી રહ્યાં છે. દેવરિયા, ખુશીનગર, બસ્તી મહારાજનગર અને સિદ્ધાર્થ નગરને હવે નવી મેડિકલ કોલેજો મળી રહી છે. શ્રી મોદીએ ટાંક્યું હતું કે, આ પ્રદેશમાં હવે ચાર માર્ગી અને છ માર્ગી રસ્તાઓનું નિર્માણ થઇ રહ્યું છે અને ગોરખપુરથી આઠ શહેરોની ઉડાનો પણ શરૂ કરવામાં આવી છે જેના કારણે તેની કનેક્ટિવિટીમાં સુધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં શરૂ થનારું ખુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પ્રવાસનમાં વધારો કરશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આત્મનિર્ભરતા માટે કરવામાં આવી રહેલું આ પરિવર્તન તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ છે.”