ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમના ભાગરૂપે દસ દિવસીય પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ચેમ્બરના માનદ્ મંત્રી તથા ટ્રેઇનર નિખિલ મદ્રાસીએ વકતામાં કયા–કયા પ્રકારના ગુણો હોવા જરૂરી છે? તે વિશે સમજણ આપી હતી.
નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, વકતાનું પોશ્ચર એટલે કે વકતાની શારીરિક સ્થિતિ એ વકતાનું સૌથી અગત્યનું પાસું છે. બે પગ વચ્ચે એક નાની ફૂટ જેટલું અંતર રાખવું ખૂબ જરૂરી છે. એટલું જ નહીં બંને પગ પર એકસરખો ભાર આપવાથી વકતાની મુદ્રા પ્રભાવશાળી બને છે. બીજું સૌથી અગત્યનું પાસું વકતા માટે હોય તો તે તેનું જેશ્ચર છે. એટલે કે હાવભાવ. હાથના મર્યાદિત ઉપયોગથી અને ચહેરાના હાવભાવથી વકતવ્ય વધુ પ્રભાવશાળી બને છે. દા.ત. ‘જોમ’ શબ્દ બોલાય તો તમારા હાથની એકશનમાં અને ચહેરા પર પણ જોમ દેખાવું જ જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વકતવ્યમાં પોઝ એટલે કે વિરામની પણ અતિ આવશ્યકતા છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર વાકય અને દુઃખ ચીન્હ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વપરાવા જોઇએ. જેથી અર્થનો અનર્થ નહીં થાય. વકતવ્યમાં શબ્દભાર પણ ખૂબ જરૂરી છે. કોઇપણ એક વાકયના અલગ અલગ શબ્દો પર ભાર મૂકવામાં આવે તો અર્થ બદલાતા હોય છે માટે શબ્દભાર પણ અતિ આવશ્યક છે.