ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી વધુ એક અંગદાન આર.ટી.એસ.વી ડાયમંડ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
બ્રેઈનડેડ જય દિનેશભાઈ ખેરડીયા ઉ.વ ૨૪ના પરિવારે જય ના ફેફસા, કિડની તેમજ ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી વિવિધ અંગો સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે ૧૦૩ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડાયમંડ હોસ્પીટલથી મુંબઈનું ૨૮૭ કિલોમીટરનું અંતર ૧૨૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી, મુંબઈના રહેવાસી ૫૭ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવી રહ્યું છે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસ થી
વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
મૂળ રાજકોટનો રહેવાસી અને હાલમાં ફ્લેટ નં. ૨૦૧, સાંઈનાથ સોસાયટી, કાપોદ્રા, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતો જય દિનેશભાઈ ખેરડીયા ઉ. વ. ૨૪, એન. જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. કંપનીમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તા. ૩૦ જુલાઈ ના રોજ તેને માથામાં દુ:ખાવો અને ઉલટી થતા, સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ફીઝીશીયન ડૉ. ગૌરવ રૈયાણીની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. ૩૧ જુલાઈના રોજ ફીઝીશયન ડૉ.ગૌરવ રૈયાણી, ન્યુરોસર્જન ડૉ. જતીન માવાણી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. હરેશ પાગડા, એનેસ્થેટીક ડૉ. આકાશ ત્રિવેદીએ જયને બ્રેઈનડેડ જાહેર કર્યો.
આર.ટી.એસ.વી ડાયમંડ હોસ્પીટલના ચેરમેન સી.પી વાનાણી એ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી જયના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જયના પિતા દિનેશભાઈ, માતા પ્રતિમાબેન, બહેન આરતી, જીજાજી ડેવિડ મકવાણા, કાકા ભરતભાઈ અને નિલેશભાઈ, ફુઆ હરગોવિંદભાઈ અને હરેશભાઈ, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
જય ના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, મારો પુત્ર બ્રેઈનડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. જય ના પરિવારમાં તેમના પિતા દિનેશભાઈ ઉં.વ. ૫૭ જેઓ ટેલરીંગનું કામ કરે છે. માતા પ્રતિમા ઉં.વ. ૫૬ અને પરણિત બહેન આરતી ઉં.વ.૨૭ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલને ફાળવવામાં આવી, ROTTO મુંબઈ દ્વારા ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
ફેફસાનું દાન મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ડૉ. વિશાલ પિંગલે, ડૉ. કૌશલ ચિદ્ગુપકર, રાહુલ વાસનિક અને તેમની ટીમે સ્વીકાર્યું. કિડનીનું દાન અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલના ડૉ. હેમન દાસ, ડૉ. મિલાપ શાહ અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોક્દ્રસ્તી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
સુરતની ડાયમંડ હોસ્પિટલ થી મુંબઈનું ૨૮૭ કિલોમીટરનું અંતર ૧૨૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના રહેવાસી, ઉ.વ. ૫૭ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ. ચંદ્રશેખર કુલકર્ણી, ડૉ. વિશાલ પિંગલે, ડૉ. કૌશલ ચિદ્ગુપકર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.
ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના ૧૮ કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલ થી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધીનો ૨૭૨ કિલોમીટરનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૦૩ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાન કરાવવાની આ વીસમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં જયના પિતા દિનેશભાઈ, માતા પ્રતિમાબેન, બહેન આરતી, જીજાજી ડેવિડ મકવાણા, કાકા ભરતભાઈ અને નીલેશભાઈ, ફુઆ હરીગોવિંદભાઈ, હરેશભાઈ તેમજ ખેરડીયા પરિવારના અન્ય સભ્યો, ડાયમંડ હોસ્પીટલના ન્યુરોસર્જન ડૉ. જતીન માવાણી, ફીઝીશયન ડૉ. ગૌરવ રૈયાણી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. હરેશ પાગડા, એનેસ્થેટીક ડૉ. આકાશ ત્રિવેદી, ન્યુરોફીઝીશયન ડૉ. નીરવ સુતરીયા, ડૉ. નીલેશ કાછડીયા ડાયમંડ હોસ્પીટલના ચેરમેન સી.પી વાનાણી, વાઈસ ચેરમેન માવજીભાઈ માવાણી, આર.ટી.એસ.વી ડાયમંડ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના CEO નીરવ માંડલેવાળા, સિધ્ધી શાહ, કરણ પટેલ, ક્રીશ્નલ પટેલ, કૃતિક પટેલ, મેક્ષ પટેલ, જય પટેલ, કિરણ પટેલ, અંકિત પટેલ, દેવેશ ભરૂચા, નિહીર પ્રજાપતિ, નીક્શન ભટ્ટ, રોહન સોલંકી, ભાવેશભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૫૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૪૭૬ કિડની, ૨૦૫ લિવર, ૪૮ હૃદય, ૪૦ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૭૪ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૬૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.