ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘ફીટનેસ રેજીમ એન્ડ સેલ્ફ ડિફેન્સ ટેકનિક ફોર વર્કીંગ વુમન’ વિશે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફીટનેસ એક્ષ્પર્ટ વિસ્પી ખરાદી દ્વારા મહિલાઓને સુરક્ષિત રહેવા માટે મહત્વની ટેકનિક શીખવાડવામાં આવી હતી. સાથે જ મુશ્કેલીભર્યા સમયમાં પોતાની રક્ષા કેવી રીતે કરવી? તે વિશે પ્રેકટીકલ ડેમોન્સ્ટ્રશન પણ કરી બતાવ્યું હતું.
વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે, કોઇ હુમલો કરે ત્યારે તેની ઉપર એટેક કરવાને બદલે તેનાથી બચવાનું વધારે હિતાવહ રહે છે. કારણ કે કોઇ સંજોગોમાં સામેવાળી વ્યકિત ઉપર કરેલા એટેકને કારણે આપના જીવનું જોખમ ઉભું થઇ શકે છે. આથી મુશ્કેલીભર્યા સમયમાં શાંત રહીને સામેવાળી વ્યકિતથી પોતાની જાતને સુરક્ષિત રાખવા તેનાથી દૂર થઇ જવું અથવા ભીડભાડવાળી જગ્યાએ બુમો પાડીને લોકોને એકત્રિત કરી લેવું જોઇએ. તેમણે કહયું કે, હમેશા ચાલતી વખતે જમણી બાજુએ ચાલવું જોઇએ. કારણ કે સામેથી આવતા ટ્રાફિકથી બચી શકાય અથવા કોઇ મુશ્કેલી ઉભી થાય તો પોતાની રક્ષા કરી શકાય. હુમલાખોરના આંખ, નાક, ગળા, ઘુંટણ તેમજ ગ્રોઇન પાર્ટ ઉપર હુમલો કરી પોતાને બચાવી શકાય છે. તેમણે વધુમાં કહયું કે, પોતાની જાતને બચાવવા માટે હુમલાખોરના મહત્વપુર્ણ ભાગ ઉપર જ પ્રથમ હુમલો કરવો જોઇએ. જેથી કરીને તે બેભાન થઇ શકે અને તેનાથી બચવા માટે આપણને સમય મળી શકે છે.
આ સેશનમાં ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. બંદના ભટ્ટાચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. જ્યારે કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.