સુરત : ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી કરતાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) સુરતની ટીમે એક અનોખા અને વિશેષ ખ્યાલ સાથે શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન આરંભ્યું હતું.
શાળાના આશરે 20 કર્મચારીઓના સમૂહે શહેરના વેસુ અને ભટાર રોડ ઉપરની ઝુંપડપટ્ટીની મુલાકાત લઇને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરાયેલા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સાર્વત્રિક સ્વચ્છતાના પ્રયાસોને વેગ આપ્યો હતો. આ મીશન અંતર્ગત ટીમના સદસ્યોએ વર્તમાન મહામારીની સ્થિતિને લક્ષ્યમાં રાખીને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કર્યો હતો તથા સફાઇ પણ કરી હતી. વધુમાં તેમણે આ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને ઘરવિહોણા વ્યક્તિઓને વિનામૂલ્યે માસ્ક પણ વિતરિત કર્યાં હતા.
ઉપરોક્ત પ્રયાસો ઉપરાંત શહેરના મેયર તરફથી કરાયેલી વિનંતી અનુસાર જીડીજીઆઇએસે ભટાર રોડ અને ચોક બજારમાં અનુક્રમે રવિશંકર મહારાજ અને મહાત્મા ગાંધીની પ્રતિમાઓની સફાઇનો પડકાર પણ પાર પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દર વખતે સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરતી રહે છે. વિદ્યાર્થીઓને જે શીખવવામાં આવે તેનો અમલ કરવામાં પણ શાળા વિશ્વાસ ધરાવે છે. શાળાના પ્રયાસોની શહેરના નાગરિકોએ પ્રશંસા કરી હતી.