Republic News India Gujarati
સુરત

સુરત: રાજયકક્ષાના રોજગાર દિવસ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે યુવાનોને નિમણુંકપત્રો એનાયત

Chief Minister Vijaybhai Rupani handed over appointment letters to the youth at the state level employment day function.

  • રોજગાર દિવસે રાજયભરના ૬૨ હજાર યુવાનોને રોજગાર નિમણુંકપત્રો આપી રાજ્ય સરકારે ઉજ્જવળ કારકિર્દીની ભેટ આપી
  • મુખ્યમંત્રીએ યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડવા ‘અનુબંધમ્’ પોર્ટલ અને મોબાઈલ એપનો ડિજિટલી શુભારંભ કરાવ્યો
  • રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારી નોકરી આપી
  • પાંચ વર્ષમાં ૨૦૮૮ રોજગાર મેળાઓ યોજી ૧૭ લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે
  • કોરોનાના કપરાકાળમાં પણ યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર:
  • યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે
  • ગુજરાત રાજ્ય યુવાનો માટે ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’- તકની ધરતી છે
  • ભૂતકાળની સરકારોએ વરસોથી સરકારી નોકરી માટે મૂકેલા પ્રતિબંધને અમારી સરકારે દૂર કરીને યુવાશક્તિને સરકારી સેવામાં જોડી છે
  • ગિફ્ટ સિટી-ગાંધીનગર તેમજ સુરતના ડાયમંડ બુર્સ એમ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે:
  • સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન ૧૦ ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને ૨૦ ટકા કરવામાં આવ્યુ
  • છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ યોજનાનો લાભ મળ્યો છે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સુરત, ગુજરાત:  ”યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે તેમજ પાંચ વર્ષમાં ૨૦૮૮ રોજગાર મેળાઓ યોજી ૧૭ લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે”, એમ રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેર ખાતે રાજ્ય કક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

સુરત સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ આયોજિત ‘રોજગાર દિવસ’ નિમિત્તે વિવિધ સંવર્ગની ભરતીઓમાં ઉત્તીર્ણ થયેલા રાજ્યભરના શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ, કોર્પોરેશનમાં નિમણૂંક પામેલા તથા રોજગાર મેળાઓમાં પસંદગી પામેલા યુવાનો મળી કુલ ૬૨ હજારથી વધુ યુવાઓને નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નોકરીદાતા અને પ્રતિભાશાળી રોજગારવાંચ્છું યુવાનોને રોજગારીની વિશાળ તકો પૂરી પાડવા ‘અનુબંધમ્’ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનનો પણ ડિજિટલી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૫૦ જેટલા રોજગાર મેળાઓ સહિત વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો તેમણે સુરતથી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ‘લર્નિંગ વીથ અર્નિંગ’ના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ ૨૪ ટકા એપ્રેન્ટિસ છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રાજ્ય સરકારનું રૂ.૫ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ મળતાં ઉદ્યોગો પર આર્થિક ભારણ પણ રહ્યું નથી.

કોરોનાકાળમાં નોકરી મેળવવી દુષ્કર બન્યું હતું, અને આ વિકટ સ્થિતિમાં અનેક લોકો નોકરી ગુમાવી ચૂક્યા હતાં. કોરોના વાઇરસના સંક્રમણના કારણે યુવાનો માટે રોજગારી કયા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી, આવા સંજોગોમાં રાજ્ય સરકારની રોજગાર માટેની સકારાત્મક નીતિના કારણે ગુજરાત રાજ્ય રોજગાર વાંચ્છુઓ માટે આશાનું કિરણ બન્યું છે, આ સંદર્ભમાં તેમણે રાજ્યમાં અનેક યુવાઓને સરકારી નોકરીમાં તક મળી હોવાનું જણાવતા ઉમેર્યું કે ભૂતકાળની સરકારો દ્વારા વરસોથી સરકારી નોકરી માટે મૂકવામાં આવેલા ભરતી પ્રતિબંધને અમારી ભાજપા સરકારે દૂર કરીને યુવા શક્તિને સરકારી સેવામાં જોડાવાની તક આપી છે, અને GPSCની ભરતી પ્રક્રિયાને નિયમિત કરી છે. આ ઉપરાંત સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન ૧૦ ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને ૨૦ ટકા કરવામાં આવ્યુ હોવાથી પ્રતિભાવાન ઉમેદવારોને પણ જાહેર સેવામાં જોડાવાની વધુ તકો મળી છે.

પાંચ વર્ષના સુશાસન સેવાયજ્ઞની ફળશ્રુતિ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી રોજગાર દિન કાર્યક્રમ અંતર્ગત ૬૨,૬૦૩ યુવાનોને નિમણૂંકપત્રો આપીને યુવાનોના કૌશલ્યનું સન્માન કર્યું છે, જેમાં ૧૧૫૦૩ સરકારી નોકરીનો પણ સમાવેશ થાય છે એમ તેમણે ગૌરવથી જણાવ્યું હતું.

ગુજરાતની ‘જોબ ગિવર’ તરીકેની સરાહનીય ભૂમિકાનો ઉલ્લેખ કરતા દેશના અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવીને વસેલા ૨૫ લાખ શ્રમિકોને ગુજરાત રોજી-રોટી પૂરી પાડી રહ્યું છે. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’-તકોની ધરતી બનેલા ગુજરાત રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરનો વ્યાપ મોટા ફલક પર વિસ્તરી રહ્યો છે, જે રાજ્યના યુવાધનને રોજગારી આપવાનું ઉમદા પ્લેટફોર્મ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્લોબલ ફાયના‍ન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટી ગાંધીનગર તેમજ સુરતના નિર્માણાધીન અત્યાધુનિક ડાયમંડ બુર્સ એમ આ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. જેનો સીધો લાભ કુશળ યુવાઓને થવાનો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ નોકરી મેળવનાર યુવાનોને ઉજ્જવળ કારકિર્દીના અભિનંદન પાઠવ્યા હતાં.

આ અવસરે ઊર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગારીનું આપતુ રાજય ગુજરાત રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દરેકક્ષેત્રે સર્વાંગી વિકાસના કારણે લોકોની જિંદગી બદલવાની સાથે સુખ શાંતિમાં વધારો થયો છે. જેમ વિકાસ દર વધે છે તેમ રોજગારીનું સર્જન પણ થાય છે. તેમણે કહ્યું કે, જે કહીએ છીએ તે કરીએ છીએ જે વચન આપીએ છીએ તેની પાળી બતાવીએ છીએ. સરકારની સારી નીતિઓના કારણે મોટા ઉદ્યોગો ગુજરાતમાં રોકાણ કરે છે જેથી રોજગારીમાં વધારો થાય છે. રાજયમાં ૩૦ લાખ એમ.એસ.એમ.ઈ. યુનિટ થકી સવા કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. રાજયમાં પ્રથમ પ્રોડકશન પછી પરમીશનની નીતિના કારણે અનેકગણી રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. સ્ટાર્ટઅપ પોલીસીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ટુરીઝમ પોલીસીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી થઈ છે. હાલ રાજયમાં બે લાખ વિદ્યાર્થીઓ આઇ.ટી.આઈ.માં અભ્યાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયની આઈ.ટી.આઈ.માં આધુનિક મશીનરીઓ ઉપલબ્ધ હોવાના કારણે ઉમેદાવારો નવી ટેકનોલોજી સાથે તાલ મીલાવીને મોટા ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી રહ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ઉદ્યોગકારોને સમયસરની સબસીડી, જરૂરી ઈન્ફ્રાકસ્ટ્રચરના કારણે અનેકગણી રોજગારીનું સર્જન થયું છે.કોરોના કાળમાં લોનડાઉનના સમયે શ્રમિકોની વતન વાપસી માટે જે ટ્રેનો ચલાવવામાં આવી જેમાંથી ૬૦ થી ૭૦ ટકા ટ્રેનોએ માત્ર ગુજરાતમાંથી અન્ય પ્રાંતોમાં ગઈ હતી. જેના પરથી પ્રતિત થઈ થાય છે કે ગુજરાતએ રોજગારી આપવામાં નંબર વન છે. દારૂબંધીના કારણે ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે છે જેના કારણે કરોડોના ઉદ્યોગો અહી રોકાણ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, રોજગાર દિવસે રાજ્ય સરકારનો ૫૦હજાર નિમણૂંક પત્રો આપવાનો સંકલ્પ હતો, પરંતુ આજે ૬૨ હજારથી વધુ યુવાનોને નોકરી આપીને યુવાનોને ઉજ્જવળ કારકિર્દીના દ્વાર ખોલ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૦ માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૧૮’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે ૨૦૧૭ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર ૨.૨ જેટલો સૌથી નીચો છે. ઉદ્યોગોની કુશળ કારીગરોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ૧,૬૮,૮૭૩ એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કૈલાશનાથન, રોજગાર વિભાગના નિયામકશ્રી આલોક પાંડે મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર તેમજ લાભાર્થી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

 


Related posts

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

ફેશનેબલ સુરતવાસીઓ લેટેસ્ટ ફેશન ઓફર જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

Leave a Comment