Republic News India Gujarati
ગુજરાતસુરતહેલ્થ એન્ડ બ્યૂટી

હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ

Commencement of 250-bed temporary Covid Hospital at Hazira's Arcelor Mittal Steel Plant premises

  • ટૂંક સમયમાં જ ૧૦૦૦ બેડની હંગામી કૉવિડ હૉસ્પિટલ કાર્યરત કરાશે
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ:
  • ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર ૭૨ કલાકમાં નિર્માણ અને લોકાર્પણ
  • કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરવાની ઐતિહાસિક પહેલને આવકારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • કોરોના સામે લડવા સરકારના પ્રયાસોમાં સાથ પુરાવતા ઉદ્યોગગૃહોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે:
  • રાજ્ય સરકારે છેલ્લા મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર કર્યા: મુખ્યમંત્રી
  • દેશબાંધવોના આરોગ્ય અને સુખાકારી અમારા માટે અગ્રસ્થાને: હાલની સ્થિતિમાં લોકોના જીવન બચાવવા સિવાય બીજું કંઈ મહત્વપૂર્ણ નથી:
  • હજીરા ઓક્સિજન પ્લાન્ટમાંથી ગુજરાતને દરરોજ ૨૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરે છે: લક્ષ્મી મિત્તલ

સુરત: કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે કંપનીએ ‘ખરા સમયે, ખરી મદદ’ કરીને સ્થળ પર જ ઓક્સિજનની આપૂર્તિ કરવાનું સરાહનીય પગલું ભર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતના ઉત્પાદકોને કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. આર્સેલર મિત્તલે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ આહવાનને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે.

Commencement of 250-bed temporary Covid Hospital at Hazira's Arcelor Mittal Steel Plant premises

સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ  ઓક્સિજન ઉત્પાદનને  ૩૦ ટકા  વધારી  ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.

કઝાકિસ્તાનથી વર્ચ્યુઅલ સંબોધન કરતાં આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેનશ્રી લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી, જેમાં કોરોના મહામારી સામે લડવા સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો, ત્યારે AMNS સમૂહે ઓક્સિજન પુરવઠો પૂરો પાડવાની તત્પરતા દર્શાવીને હજીરા ખાતે હોસ્પિટલ ઊભી કરવાંનો પ્રસ્તાવ રાખ્યો હતો, જે ગુજરાત સરકારના સહયોગથી આજે સાકાર થયો છે. રાષ્ટ્ર પર આવેલી વિકટ સ્થિતિમાં આઈનોક્સ એર પ્રોડક્ટ્સ સાથેની ભાગીદારીમાં કાર્યરત AMNS ઇન્ડિયા ગ્રુપના હજીરા ઓક્સિજન પ્લાન્ટમાંથી ગુજરાતને દરરોજ ૨૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરે છે. કોરોના વોરિયર્સ અને સરકાર સાથે ખભેખભા મિલાવી કામ કરવા અમે પ્રતિબદ્ધ છીએ અમે જણાવી તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે કોરોનાના વધી રહેલા કહેર અને પડકારજનક સ્થિતિ જોતાં આપણા દેશબાંધવોના આરોગ્ય અને સુખાકારી અમારા માટે અગ્રસ્થાને છે, અને હાલની સ્થિતિમાં લોકોના જીવન બચાવવા સિવાય બીજું કંઈ મહત્વપૂર્ણ નથી.

સ્ટીલ કંપનીનો ઓક્સિજન ગેસ સીધો જ દર્દીને આપવામાં આવતો હોય એવો  આર્સેલર મિત્તલ કંપનીનો વિશ્વમાં એકમાત્ર અને અનોખો પ્રયાસ છે એમ શ્રી મિત્તલે જણાવ્યું હતું.

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ કોરોના સામેના યુદ્ધમાં આર્સેલર મિત્તલ જેવા ઉદ્યોગ સમૂહોની પહેલ જનતા અને સરકારના અને સહિયારા પુરૂષાર્થ જરૂર જીત થશે એમ જણાવી કંપનીના આરોગ્યલક્ષી અભિગમની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Commencement of 250-bed temporary Covid Hospital at Hazira's Arcelor Mittal Steel Plant premises

હજીરા ખાતે ઉપસ્થિત રહેલાં AMNS (ઇન્ડિયા)ના સી.ઇ.ઓ. દિલિપ ઓમને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગ માટે કંપની હરહંમેશ તત્પર છે. આર્સેલર મિત્તલનો હજીરા પ્લાન્ટ ગેસ બેઝ્ડ ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ઓક્સિજનને અન્યત્ર લઈ જઈ શકાય તેમ નથી. પરંતુ જો કંપનીના સ્ટીલ પ્લાન્ટના સ્થળે જ હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવે તો એ જ સ્થળે પૂરતો ઓક્સિજન મળતાં દર્દીઓને સારવાર મળી શકે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સાથે આ વિચારને મૂર્તિમંત કરી માત્ર ૭૨ કલાકમાં ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલનું કંપની દ્વારા નિર્માણ કરાયું છે. રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે તેને દૂર કરવામાં મહત્વપૂર્ણ મદદ મળી શકશે. આવનારા ટૂંક સમયમાં આ હોસ્પિટલને ૧૦૦૦ બેડ સુધી લઈ જવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર શ્રી ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા  માત્ર ૭૨ કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી  કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વ શ્રીમતી ઝંખનાબેન પટેલ અને હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલિસ કમિશનર અજય તોમર અને કંપનીના અધિકારી-કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.


Related posts

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Rupesh Dharmik

શેલ્બી હોસ્પિટલ્સના ડો. વિક્રમ શાહને હેલ્થકેર પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ

Rupesh Dharmik

Leave a Comment