વતનનું ઋણ અદા કરવાની ભાવનાથી વીજળીવિહોણા ૫૦૦ ગામડાઓમાં જનરેટરની સુવિધા પૂરી પાડી
સુરતઃ કોરોનાની વિપદામાં તાઉતે વાવાઝોડાએ ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કહેર વર્તાવીને જનજીવનને માઠી અસર પહોંચાડી છે. પરંતુ આફત સામે નતમસ્તક થઈને હાર માની લે એ ગુજરાતી શાનો? આફતમાંથી સાંગોપાંગ બહાર નીકળવું અને નવી શરૂઆત કરવી એ ગુજરાતની તાસીર રહી છે. જ્યારે જ્યારે દેશમાં કોઈ પણ સ્થળે પૂર, ભૂકંપ કે વાવાઝોડા જેવી કોઈ પણ કુદરતી આફતના ઓળા ઉતર્યા છે ત્યારે સુરતના દરિયાદિલ દાતાઓએ દાનની સરવાણી વહાવવામાં ક્યારેય પાછા પડ્યા નથી.
સૌરાષ્ટ્રનાં દરિયાઈ કાંઠા વિસ્તાર સહિત અનેક ગામોમાં તાઉતે વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી છે. લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, એમાંય અનેક મકાનો, ખેતરોનો ઉભો પાક, લોકોની માલમિલકત, નાનામોટા વૃક્ષો, મોબાઈલ નેટવર્ક, વીજળીના નુકસાન સહિત પશુપક્ષીઓની જાનહાનિ જેવું પારાવાર નુકસાન પહોંચ્યું છે. જીવનની પ્રાથમિક જરૂરિયાત સમી વીજળીના હજારો થાંભલાઓ ધરાશાયી થવાને કારણે ગામોમાં અંધારપટ છવાયો છે, ત્યારે સુરતની ‘સેવા’ સંસ્થાએ આફતગ્રસ્ત સૌરાષ્ટ્રના અંધારા ઉલેચી અજવાળા પાથરતી ‘સેવા’ની જ્યોત જગાવી છે. વાવાઝોડું શાંત થયું એના બીજા જ દિવસે ૧૦૦ થી શરૂ કરી તબક્કાવાર ૧૮૫ જેટલા જનરેટરો સાથે સૌરાષ્ટ્રના ૫૦૦ ગામડાઓમાં યુદ્ધના ધોરણે પહોંચાડી સંસ્થાના સેવકો ખરા અર્થમાં વતનની વ્હારે આવ્યાં છે. ૨૫ થી ૫૦ કિલોવોલ્ટના જનરેટરો દ્વારા વીજળીપ્રવાહ શરૂ કરી વીજળીવિહોણા ગામોમાં પીવા તેમજ જીવનજરૂરિયાત માટેના પાણી તેમજ અનાજ દળવા માટે ઘરઘંટી, મોબાઈલ ચાર્જિંગ જેવી સેવાઓની આપૂર્તિ કરી કરી રહ્યા છે.
‘સેવા’ સંસ્થાને સાકાર કરનાર શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ‘તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ જિલ્લાના હજારો ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાતા જે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ તેને દૂર કરવાં સુરત શહેરની ૫૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળીને બનાવેલી ‘સેવા’ સંસ્થાએ ૧૮૫ થી વધુ જનરેટરોની વ્યવસ્થા કરી આપત્તિગ્રસ્ત ગામડાઓને મદદ કરી છે, અને સરકાર સાથે મળીને વાવાઝોડાની આપત્તિમાંથી ગામડાઓને બહાર લાવવા સેવા આપી રહ્યાં છીએ. ત્રણ ગામ દીઠ એક જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવી ૫૦૦ થી વધારે ગામોમાં યોગ્ય મેનેજમેન્ટ દ્વારા આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ગામોમાં વીજળીની સુવિધા પૂર્વવત ન થાય ત્યાં સુધી ત્રણ ગામ વચ્ચે એક જનરેટર આપીને ઘર-ફળિયાના નળ સુધી પાણી સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા અને મામલતદારશ્રી કોલડીયાની ઉપસ્થિતિમાં ગીર-ગઢડાના ૭૨ ગામોમાં ૨૪ જનરેટર ગામના સરપંચો, જવાબદાર પ્રતિનિધિઓને સાથે રાખીને સેવાના ટ્રેક્ટર થકી જે તે ગામો સુધી જનરેટર પહોચાડવામાં આવ્યાં હતા. જ્યારે અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં ૮૫ જનરેટરો પહોંચતા કરાયા છે.’
મહેશભાઈ વધુમાં જણાવે છે કે, દરેક અસરગ્રસ્ત ગામમાં ૦૭ કલાક જનરેટર રહે છે. બે કલાક ગામના પાણીના ટાંકા ભરવામાં આવે છે. પછી બાકીના કલાકોમાં અનાજ દળવાની ઘંટી, મોબાઈલ ચાર્જિંગ, હાથ-બેટરી ચાર્જિંગ તેમજ અન્ય આવશ્યક કામો માટે જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજા ગામમાં ટ્રેકટરની મદદથી જનરેટર પહોંચતું કરવામાં આવે છે. ગામના સરપંચ, સ્થાનિક આગેવાન અને સેવા સંસ્થાના સ્વયંસેવકો ભેગા મળીને જનરેટરોનું સંચાલન કરે છે. સામાન્ય રીતે ૨૫ થી ૭૦ કે.વી.ના જનરેટરનું રોજનું ભાડું ૦૪ થી ૦૫ હજાર અને ડીઝલ પાછળ રોજનો ૧૦ હજાર ખર્ચ મળી કુલ દૈનિક ખર્ચ રૂ.૧૫ હજાર થાય છે. ઉપરાંત, એક ગામથી બીજા ગામ સુધી જનરેટર લઈ જવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ સામેલ હોય છે. જનરેટરને ટ્રેલરમાંથી ક્રેઇન મારફતે ટ્રેક્ટરમાં રાખી ગામેગામ પહોંચતા કરવામાં આવે છે. જેનો ખર્ચ સેવા સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી દાતાઓએ ઉપાડ્યો છે. જ્યારે ગામના અગ્રણીઓ અને સેવાભાવી ગ્રામજનો ડિઝલ ખર્ચ ઉપાડી લે છે. એક હાથથી નહિ, પણ અનેક હાથોના સહિયારા અનુદાનથી મુશ્કેલીઓ નિવારી શકાય છે એમ સેવા સંસ્થા માને છે. મહેશભાઈએ હજુ પણ આ સેવાયજ્ઞને જારી રાખ્યો છે.
સુરત શહેરની સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા પ્રકારે સેવાના હેતુથી સૌરાષ્ટ્રમાં કાર્યરત છે, જેમાં સુરતથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો ખાસ કરીને ઉના, ગીર ગઢડા, તાલુકા માટે પ્રથમ તબક્કામાં રવાના કરાયેલા ૧૦૦ જનરેટરો સાથે મહેશભાઈ સવાણી, પંકજભાઈ સિદ્ધપરા, ઘનશ્યામભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ મેકડા સહિતની સેવાની ટીમ પહોંચી હતી. ગીર સોમનાથ જિલ્લામાં “સેવા” સાથીઓની ટીમ ૧૦૦ જનરેટર સાથે પહોંચી હતી. આ સમયે ઉના ગુજરાત વિદ્યુત બોર્ડના ઈજનેર અને જી.ઇ.બી. ના કર્મનિષ્ઠ સ્ટાફનો પણ તેમને ઉમદા સહયોગ મળ્યો હતો.
ગીર-સોમનાથ જિલ્લામાં ‘‘સેવા’ના સાથીઓ શરદભાઈ ઇટવાયા, જયંતિભાઈ ભાલાળા, અર્પિતભાઈ કથીરિયા, હસમુખભાઈ હપાણી, હાર્દિકભાઈ પાનસુરીયા, મનીષભાઈ દોમડીયા દ્વારા દરેક ગામો સાથે સંકલન કરીને વીજળી ઉપલબ્ધ કરાવી ગ્રામજનોને હૂંફ પુરી પાડવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગે સરકારશ્રીની જૂથ સહાય યોજનાનું સંકલન કરીને દરેક ઘરો, ફળિયા સુધી પાણી પહોંચતું કરવામાં આવ્યું. અસરગ્રસ્ત ઉના તાલુકાના સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ ભૂમિકા નિભાવાઈ છે.
સેવાની ટીમનું જે પણ ગામમાં આગમન થાય ત્યાં નાની બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી ‘સેવા’ યોદ્ધાઓનું સ્વાગત કરવામાં આવતું. ગીર-સોમનાથ કલેક્ટરશ્રી અજયપ્રકાશ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, મામલતદારશ્રી કોલડીયા, ધારાસભ્ય પૂંજાભાઈ વંશના સહયોગ તેમજ સ્થાનિક ગ્રામજનોએ પણ ખભેખભા મિલાવીને કોઈ ગામ પીવા અને દૈનિક જરૂરીયાતના પાણી વિના ન રહે એ માટે ઉત્સાહથી જોડાયા છે.
સુરતથી રોજીરોટી માટે સુરતને કર્મભૂમિ બનાવી, પણ જન્મભૂમિનું ઋણ ચૂકતે કરવાંનો અવસર મળ્યો છે એમ માનીને સેવા સંસ્થાએ મુશ્કેલીના સમયમાં માદરે વતનની ખુશહાલી પુન: પરત આવે તે માટે સેવાની ધૂણી ધખાવી છે.
સુરતની ૫૨ જેટલી સેવાભાવી સંસ્થાની સંયુક્ત પહેલ એટલે ‘સેવા’
કોરોના મહામારીમાં સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કોરોના આઈસોલેશન સેન્ટરોમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. સુરતની ૫૨ જેટલી સેવાભાવી સંસ્થાઓએ સાથે મળી ‘સેવા’ નામની સંયુક્ત સંસ્થાના નેજા હેઠળ આરોગ્યસુવિધાથી સજ્જ ૧૫ આઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતાં. પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીના વડપણ હેઠળ કોરોનાકાળમાં ૧૪ જેટલા કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હતાં. કર્મભૂમિ બાદ જન્મભૂમિનું ઋણ ચૂકવવા ‘વતનની વ્હારે’ અભિયાન શરૂ કરી તબીબોની ટીમ મોકલી સૌરાષ્ટ્રમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યા હતા. નિ:સ્વાર્થ સેવાભાવથી આઇસોલેશન સેન્ટર્સમાં કોવિડ દર્દીઓને સારવાર સેવા આપવામાં આવી રહી છે.