કન્સર્નની દુનિયામાં જીવતો માનવી કમિટમેન્ટની દુનિયામાં ઝંપલાવે તો જીવનમાં અસાધારણ પરિણામ મેળવી શકે છે : કમલ દેઓરા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરુવાર, તા. ર૦ મે ર૦ર૧ના રોજ ‘કમિટમેન્ટ વર્સિસ કન્સર્ન’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે આંત્રપ્રિન્યોર, ઓથર એન્ડ બિઝનેસ મેન્ટર કમલ દેઓરાએ માનવી પોતાને આપેલા વચનની કિંમત કરવાનું ચાલુ કરે તો એ નિશ્ચિતરૂપે કમિટમેન્ટની દુનિયામાં ક્ષણ પ્રતિ ક્ષણ જીવન જીવી શકે અને પોતાના જીવનના મહત્વના ક્ષેત્રમાં અસાધારણ પરિણામ પ્રાપ્ત કરી શકે છે તેમ કહી ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રિયલ એસ્ટેટ કે કોઇપણ ઉદ્યોગ હોય તેમાં જે ઉદ્યોગપતિઓ કે વેપારીઓ આજે સફળ થયા છે તેઓએ કમિટમેન્ટને આધારે જ વ્યવહાર કર્યો છે. ખૂબ સારુ ભણતર ન હોવા છતાં પણ સુરતના હીરા ઉદ્યોગપતિઓની કંપનીઓ આજે વિશ્વમાં માત્ર તેઓના કમિટમેન્ટ સાથેના વ્યવહારને કારણે પ્રખ્યાત થઇ છે. વ્યકિતગત જીવન હોય કે બિઝનેસમાં કમિટમેન્ટની અગત્ય ખૂબ જ વધારે હોય છે અને વ્યકિતએ કમિટમેન્ટને આધારે જ જીવન જીવવું જોઇએ.
કમલ દેઓરાએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આપણે જીવનની દરેક પરિસ્થિતિમાં ધાર્યું પરિણામ લાવી શકીએ છે પણ માનવીને રોકાઇ જવામાં, આક્ષેપ અને જસ્ટીફાઇ કરવામાં વધારે રસ હોય છે. આથી માનવીને વ્યકિતગત જીવન, બિઝનેસ, આરોગ્ય અને સંબંધમાં આગળ વધવા માટે કન્સર્નની દુનિયા છોડીને કમિટમેન્ટની દુનિયામાં ઝંપલાવવું પડે છે. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતાની દુનિયા જે લક્ષ્ય, એકશન અને સંભાવના આધારિત તેમજ જીવનમાં શું સંભવ છે તે બાબતની દુનિયા છે. કન્સર્ન એટલે ચિંતા આધારિત દુનિયા કે જે ભયની દુનિયા છે, જે મુડ અને લાગણીના આધારે ચાલતી હોય છે. અત્યારે નથી કરવું, પછી કરીશ અને કેટલું કરુ છું વિગેરેની આ દુનિયા છે.
માનવી તરીકે આપણી પાસે વિકલ્પ છે કે આપણે કમિટમેન્ટની દુનિયામાં જીવીએ કે કન્સર્નની દુનિયામાં જીવીએ. નિરંતર એકશન લઇને કમિટમેન્ટની દુનિયામાં રહી શકાય છે અને જીવનમાં ધાર્યું પરિણામ જે તે ક્ષેત્રે પ્રાપ્ત કરી શકાય છે. જો કે, કમિટમેન્ટની દુનિયામાં રહેવું સહેલું નથી પણ જીવંત હોય છે. એમાં વ્યકિતને એકસ્ટ્રા ઓર્ડિનરી જીવંતતાનો અનુભવ થાય છે, જે ઉચ્ચ કોટીનો હોય છે. કન્સર્નમાં સાધારણ અનુભવ હોય છે. જીવનના કોઇપણ ક્ષેત્રમાં ઇન્કમ, પ્રોફીટ અને ગ્રોથમાં ચિંતાને છોડીને એક જ ક્ષણમાં કમિટમેન્ટ દ્વારા આવી શકાય છે. હું શું કરી શકું છું? મારા માટે શું સંભવ છે? એ કમિટમેન્ટ અને કન્સર્નના વિકલ્પો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કમિટમેન્ટની દુનિયામાં રહીને જીવન જીવાય તો કંઇપણ હાંસલ કરી શકાય છે. પરંતુ એના માટે સૌથી મહત્વની બાબત છે ઇન્ટિગ્રિટી. પોતાની જાતને આપેલા વચનની કિંમત. જો કે માનવી, શબ્દની કિંમત ગુમાવી બેઠો છે પછી આપણે વિચારીએ કે પાવરફુલ લાઇફ કેમ નથી જીવતા? ઉદ્યોગ સાહસિકો અથવા વેપારીઓ પણ રોજ દસ ગ્રાહકોને મળવાનું વિચારતા હોય છે પણ આવતા અઠવાડિયાથી મળીશું તેમ વિચારીને બેસી જતા હોય છે. જેથી કરીને બિઝનેસમાં તેઓને ધાર્યુ પરિણામ મળતું નથી. એમ પણ કહી શકાય કે બિઝનેસમાં મેજીક થતુ નથી.
દુનિયામાં જેટલા સફળ વ્યકિતઓના દાખલા જોઇએ તો તેઓ બધામાં એક વસ્તુ કોમન જણાઇ આવે છે કે તેઓએ પોતાની જાતને આપેલા વચનની કિંમત કરેલી હોય છે. માનવી ભૂલી ગયો છે કે એ પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિમાંથી આવે છે. જ્યાં ‘‘રઘુપતિ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પણ વચન ન જાય‘‘ નું પાલન કરાય છે. પરંતુ વર્તમાન જીવનમાં માનવી આનાથી વિરૂદ્ધ દિશામાં જઇ રહયો છે. ક્ષણે ક્ષણ એ પોતાને આપેલા વચનને તોડી રહયો છે. જેના કારણે જીવનમાં અસાધારણ પરિણામથી એ વંચિત રહી જાય છે.
ચેમ્બરના માનદ્ ખજાનચી મનિષ કાપડીયાએ વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન પરેશ લાઠીયાએ વકતાનો પરિચય આપ્યો હતો અને અંતે તેમણે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.