મહુવા તાલુકાના સણવલ્લા ગામના ભરતભાઈએ ગૌમૂત્ર આધારિત જવારણ બનાવીને આંબાના પાકમાં થતા કિટનાશકો પર મેળવ્યું નિયંત્રણઃ
ગૌમુત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે: ભરતભાઈ પટેલ
નંદનવન ગીર ગૌ-શાળામાં એક હજારથી વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ ચુકયા છેઃ
સુરતઃ આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત્ત થઈ રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
વાત કરવી છે મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભરતભાઈ પટેલની, જેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે, અને ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે. શિક્ષકની ફરજની સાથે આજે તેમની ‘નંદનવન ગીર ગૌ-શાળા’માં ૧૮ જેટલા નાના-મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ઉપરાંત, ખેતી પાકોનું મૂલ્યવર્ધન કરીને પણ વધારાની આવક મેળવી રહ્યાં છે. જેમાં તેમના બન્ને યુવાન દીકરાઓ ખભેખભા મિલાવીને તેમના પિતાને મદદરૂપ થઇ રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા ભરતભાઈ કહે છે કે, છ વર્ષ પહેલા ભરૂચ ખાતે ગ્રામ વિકાસ શિબિરમાં જવાનું થયુ ત્યાં પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતોના અનુભવો સાંભળીને ખેતી કરવાનો દૃઢ નિર્ધાર કરીને એક ગાય પાળી અને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. ગાય આધારિત ખેતી પદ્ધતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય તે અંગે પ્રકાશ પાડતા તેઓ કહે છે કે, મે-જૂનમાં કેરીનો ઉતારો આવ્યા બાદ આંબાના ઝાડની ઉંચાઈ પ્રમાણે છાંયડાના એક મીટર અંદરના ઘેરાવામાં ગૌમુત્ર, ગોબર, છાશ અને ઘનજીવામૃત નાખવાથી ચોમાસા દરમિયાન કિટકો થડમાં આવે ત્યારે રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે.
ગૌમુત્ર તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા જવારણ નામના પ્રાકૃતિક કીટનાશક વિશે વિગતો આપતા કહે છે કે, એક ડ્રમમાં વિવિધ ફળોનો રસ લઈને તેમાં ગૌમુત્ર તેમજ છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે, જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્રકિટકો આકર્ષાય છે. જેથી ફલાવરીંગનું કામ સરળ થાય છે. જૈવિક રીતે નિયંત્રણ કેવી રીતે થાય તે અંગે દર રવિવારે શિબિર યોજીને માર્ગદર્શન આપું છું. કેરીના વેચાણ અંગે તેઓ કહે છે કે, અમારી વાડીએથી જ ગ્રાહકોને કેરીઓનું સીધું વેચાણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારના ઝેરી પેસ્ટીસાઈઝનો ઉપયોગ કર્યા વિના ગાય આધારિત ખેતીથકી જ જમીનમાં પાકો લઉ છું.
વધુમાં ભરતભાઈ જણાવે છે કે, કચ્છ જિલ્લાના કુકમા અને મહારાષ્ટ્રના ગૌ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુર ખાતે મારા દીકરા હર્ષકુમાર સાથે જઈને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ જૈવ નિયંત્રણના કિટનાશકો બનાવવાની તાલીમ લીધી. જેમાં ઘનજીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઉધઈ નિયંત્રણ, બ્રહ્માસ્ત્ર જેવા કીટનાશકોનો ઉપયોગ કરીને ભીંડા, કપાસ જેવા પાકો પર પ્રયોગ કરીએ છીએ. તાઉતે વાવાઝોડાના કારણે આજુબાજુની વાડીઓની સરખામણી મારી વાડીના આંબાના પાકમાં ઓછુ નુકસાન થયું છે તેનો શ્રેય પ્રાકૃતિક ખેતીને આપું છું. ગૌ કેન્દ્ર ખાતે પંચગવ્ય આધારિત ગૌમુત્ર અર્ક, માલિશ તેલ, ગૌ-કેશ તેલ, ગૌ-નસ્ય જેવા ઔષધિય ઉત્પાદનો પણ તૈયાર કરી રહ્યા છે.
ભરતભાઈના બન્ને દીકરા જિજ્ઞાંશુ અને હર્ષકુમાર પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને આજની યુવાપેઢીના યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓએ ઓર્ગેનિક ખેતી અંગે ગુજરાત ઓર્ગેનિક પ્રોડકશન સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત-નવસારી દ્વારા ભરતભાઈને હલઘર ઓર્ગેનિક ફાર્મર એવોર્ડ તથા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા છે. હાલ નવસારી કૃષિ યુનિવર્સિટીની નિરંતર શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
ભરતભાઈ કહે છે કે, ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશિર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે આવકમાં પણ વધારો થયો છે. અમારી નંદનવન ગીર ગૌ-શાળામાં આગાખાન સંસ્થાના સહયોગથી એક હજારથી વધુ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે. તાલીમના આયોજન કેન્દ્ર ખાતે કાર્યરત વિશાલ વસાવા પણ મદદરૂપ થાય છે. હવે ખેડૂતો તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી નાનાપાયે કરતા થયા છે. આંબાની ખેતીની સાથે ભરતભાઈ ગાય આધારિત ખેતપદ્ધતિ થકી પોતાની વાડીમાં ભીંડા, શેરડી, જમરૂખ જેવા પાકોનું પણ ઉત્પાદન લઈ રહ્યા છે. આ ઉપરાંત જીવામૃતનું વેચાણ કરીને પણ પૂરક આવક મેળવી રહ્યા છે.