Republic News India Gujarati
કૃષિગુજરાત

ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત


 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભાભર જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ બિમાર ગાયોની સારવાર માટે નવીન ગૌ હોસ્પીટલનું ખાતમૂર્હત કર્યુ

ભાભરની ગૌ શાળામાં રૂ. ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરીધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે તૈયાર થનાર નવીન ગૌ હોસ્પીટલનું ખાતમૂર્હત કર્યુ હતું. આ પ્રસંગે ગૌ શાળાના નિભાવ માટે દાન આપનાર દાતાશ્રીઓને અભિનંદન પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગૌ સેવાનું પવિત્ર મહાન કાર્ય કરનાર તમામ સજ્જનોને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે, ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે. હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના ખેડુતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ બંધ કરી શ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજય સરકાર દ્વારા દેશી ગાય રાખવા માટે ખેડુતને દર મહિને રૂ. ૯૦૦ ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વધુ ૨ લાખ અરજીઓ આવી છે તેમને દેશી ગાય માટે દર મહિને રૂ. ૯૦૦ સહાય આપવામાં આવશે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભાભરની ગૌ શાળામાં રૂ. ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મને ઘણાં સમયથી આ ગૌ શાળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પવિત્ર ધરતી પર આવ્યા પછી જાણ્યું કે આ ધરતી પર ગૌ સેવાનું આટલું સરસ કામ કરનારા લોકો છે. બિમાર, અશક્ત, પિડીત ગાયોની માતૃત્વ ભાવથી કરાતી સેવાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે, અહીંના ટ્રસ્ટીઓ, ર્ડાક્ટરો અને સેવાધારીઓની આખી ફોજ દ્વારા કરવામાં આવતા ગૌ સેવાના અનુપમ કાર્યને જોઇને ખુશી અને આનંદ થાય છે. ગૌ માતામાં આસ્થા, શ્રધ્ધા અને લગાવથી તમે ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગૌ માતા કોઇ પણ જાતના ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય તમામને અમૃત સમાન દૂધ આપે છે. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે સંપૂર્ણ બળદ પર આધારીત ખેતી થતી હતી ત્યારે લોકોને શુધ્ધ ખોરાક મળતો હતો અને રોગોનું પ્રમાણ ઓછું હતું. આજે ખેતીમાં રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે પર્યાવરણને નુકશાન થાય છે અને માણસના સ્વાસ્થ્યને પણ ખુબ અસર થાય છે.

રાસાયણિક દવાઓ અને ખાતરોને લીધે જમીન અને પાણી દુષિત થયા છે. તેમણે કહ્યું કે, તંદુરસ્ત અને સુખી જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં મારા પ્રયાસથી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને જમીનની ફળદ્રુપતા વધી છે.

રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડુતોને આ દિશામાં આગળ વધવાની અપીલ કરતાં જણાવ્યું કે, દેશી ગાયના ગૌ મૂત્ર અને છાણમાંથી જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે અને વસૂકેલી ગાયના છાણમાં ૫૦૦ કરોડ જીવાણું હોય છે. તેમાંથી જીવામૃત દેશી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. તેમણે કહ્યું કે, એક દેશી ગાયના છાણથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. રાજ્યપાલશ્રીએ ગાયના છાણમાંથી જીવામૃત બનાવવાની પધ્ધતિ ખેડુતોને સમજાવી હતી તથા આ જીવામૃતથી ખેતરમાં પેદા થતાં અળસીયા અને અળસીયાની ખેતીમાં ઉપયોગીતા વિશે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ભાભર ગૌ શાળામાં દર વર્ષે રૂ. ૨૫ લાખનું આજીવન માતદાર દાન આપવાની ઘોષણા કરનાર ઉધોગપતિશ્રી જયેશભાઇ પટેલ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ ગૌ શાળાઓમાં રૂ. ૭૫ લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરનાર સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ શ્રી ગિરીશભાઇ શાહના કાર્યને બિરદાવી રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવી આ ઇશ્વરીય કાર્યમાં જોડાવા બધાને આહવાન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ કચ્છના ખેડુતશ્રી હરીશભાઇ ઠક્કરે પોતાની ૭૦૦ એકર જમીનમાં રાસાયણિક ખેતીને આપેલી તિલાંજલિ અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમયની સાથે ખેડુતોએ ખેતીમાં બદલાવ લાવવો પડશે તો જ આપણે આવનારી પેઢીને સ્વચ્છ હવા, પાણી અને ફળદ્રુપ જમીન આપી શકીશું.

Gujarat needs to move towards natural cow based natural farming: Governor Shri Acharya Devvrat

ભાભર જલારામ ગૌ શાળાના ટ્રસ્ટીશ્રી લીલાધરભાઇ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે આ ગૌશાળાની ૪ જેટલી શાખાઓમાં ૧૦ હજારથી વધુ માંદી, લુલી, લંગડી, અકસ્માત થયેલ હોય અને બીજા અન્ય રોગથી પિડાતી હોય તેવી ગાયોની સારવાર અને સંભાળ રાખવામાં આવે છે અને છેલ્લા ૨૫ વર્ષથી આ સેવાકીય પ્રવૃ્તિઓ કરવામાં આવે છે. બિમાર કે અકસ્માતનો ભોગ બનેલી ગાયોને ૧૯ જેટલી એમ્બ્યુલન્સ મારફત જુદા જુદા સ્થળોથી અહીં લાવી તેમની સારવાર કરવામાં આવે છે એના માટે ૩૫૦ જેટલાં માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના વરદહસ્તે દાતાશ્રીઓનું ગૌ માતાની પ્રતિકૃતિથી સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ શ્રી ગિરીશભાઇ શાહ અને અખિલ લોહાણા પરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણીએ પ્રાસંગીક પ્રવચન કરી ગૌ સેવાના કાર્યને બિરદાવ્યું હતું.

આ કાર્યક્રમમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી, દાતાશ્રી દિલીપભાઇ મહેશ્વરી, શ્રી જયેશભાઇ પટેલ, શ્રી કાનજીભાઇ તન્ના, કલેકટરશ્રી આનંદ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સહિત અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.


Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

Leave a Comment