Republic News India Gujarati
ગુજરાત

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Nilesh Mandlewala, founder of Donate Life, who has inspired the movement of organ donation in Gujarat, has been honored with the “Lifetime Achievement” Award by SGCCI Golden Jubilee Memorial Trust.

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૨ વર્ષ થી દક્ષીણ ગુજરાતમા ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવીનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતા, સર્વશ્રેષ્ઠ સી.ઇ.ઓ., સર્વશ્રેષ્ઠ બિજનેસ પર્સન જેવા ૧૪ વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત વખતો વખત સમાજ માટે આખી જીંદગી અદ્દભુત કાર્ય કરી સમાજના ઉત્થાન માટે મહત્વનું કાર્ય કર્યું હોઈ તેવા વ્યક્તિને  “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૧૮ વર્ષ પહેલા ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, ગુજરાતમાં અંગદાનની આહલેક જગાવનાર, ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર, સુરત અને દક્ષીણ ગુજરાતમાંથી ૧૧૪૧ અંગો અને ટીસ્યુંઓનું  દાન કરાવી આપણા દેશ અને વિદેશના ૧૦૪૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી અપાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને ફિક્કીના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ એડલવાઈસ ગ્રુપના ચેરમેન અને  સી.ઇ.ઓ. શ્રી રશેશ શાહ અને સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમરના વરદ્દ હસ્તે “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને સુરત સિટીઝન કાઉન્સિલના ચેરમેન શરદભાઈ કાપડિયાએ નિલેશભાઈને આપવામાં આવી રહેલા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વિશે બોલતા જણાવ્યું હતું કે, નિલેશભાઈ અંગદાનનાં ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યાં છે. તેઓએ તેમનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા ના સુત્રને તેમણે સાર્થક કર્યું છે.

નિલેશભાઈના પિતાની કિડની ખરાબ થતાં અઠવાડિયામાં બે વખત તેઓને ડાયાલિસિસ પર જવું પડતું હતું. તેમનાં પિતાની કિડનીની બિમારીને કારણે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેઓએ અંગદાનની જનજાગૃતિ માટે કાર્ય શરૂ કર્યું.

અંગદાનનાં ક્ષેત્રમાં તેમની ૧૮ વર્ષની યાત્રા દરમિયાન જ્યારે પણ હોસ્પિટલથી બ્રેઈન ડેડ વ્યક્તિની જાણકારી તેમને આપવામાં આવે છે, ત્યારે રાત દિવસ જોયા વગર હોસ્પિટલ જઈને તેઓ બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને અંગદાન માટે સમજાવી અંગદાન કરાવતા રહ્યાં છે. નિલેશભાઈએ કોઈ પણ પ્રકારની અપેક્ષા કે લાભ વગર નિષ્ઠા પૂર્વક અને ખંતપૂર્વક નિઃસ્વાર્થ કાર્ય કર્યું છે.

૨૦૦૬માં કિડની દાનથી શરૂ થયેલું આ અભિયાન લિવર, સ્વાદુપિંડ, હ્રદય, ફેફસાં, હાથ, અને હાડકાના દાન સુધી વિસ્તર્યું છે. જ્યારે તેઓ ચેમ્બરના પ્રમુખ હતાં અને ચેમ્બરના પ્રમુખની ખુબ મોટી જવાબદારી હોવા છતાં તેઓએ આ પ્રવૃત્તિને સતત આગળ વધારી હતી.

અંગદાન થકી સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના ચહેરાઓ પર તેઓ ખુશાલી લાવ્યાં છે. સમાજમાં આજે લોકો અંગદાનનુ મહત્વ સમજતાં થયા છે, તેનો એક માત્ર શ્રેય આપવો હોય તો એ નિલેશભાઈને આપી શકાય. તેઓએ નિલેશભાઈને ઓર્ગન મેન ઓફ ઈન્ડિયાનું બિરુદ આપ્યું હતું.

સન્માનના પ્રતિભાવમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આ સન્માન નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન છે…જે બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના સ્વજનના અંગોનું દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેમનું સન્માન છે, આ સન્માન છે…રાત દિવસ જોયા વગર બ્રેઈન ડેડ દર્દીને, બ્રેઈન ડેડ જાહેર કરવા માટે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડોક્ટરો અમને જે સહયોગ આપી રહ્યાં છે તે તમામ ડોકટરોનું સન્માન છે, આ સન્માન છે…આપણાં સુરત શહેરના પોલિસ વિભાગનું કે જેઓ મહત્વના અંગો સુરતથી દેશના વિવિધ શહેરોમાં સમયસર મોકલવા ગ્રીન કોરિડોર માટે સહયોગ આપી રહ્યાં છે તેમનું સન્માન છે, આ સન્માન છે…ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, સુરત એરપોર્ટ ઓથોરિટી, પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા કે જેઓ અંગદાનની પ્રવૃત્તિને દેશમાં જન જન સુધી પહોંચાડવા માટે સહયોગ આપી રહ્યાં છે તેઓનું સન્માન છે, આ સન્માન છે…રાત દિવસ જોયા વગર આ પ્રવૃત્તિમાં સહયોગ આપનાર ડોનેટ લાઈફના સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓનું સન્માન છે.

તેઓએ ઉપસ્થિત લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઈન ડેડ થાય અને તેની જાણકારી તેઓને મળે ત્યારે તેઓના અંગોનું દાન કરાવીને આપણાં દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યું પામે છે તેમને નવું જીવન અપાવવા આગળ આવે. તેઓએ અંગદાન જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવવા અપીલ પણ કરી હતી.

તેઓએ આ સન્માન તેમના સ્વ. પિતા વિનોદભાઈ, ઈન્ડિયા રિનલ ફાઉન્ડેશનનાં ચેરમેન સ્વ. ચિનુભાઈ શાહ, બધા જ અંગદાતાઓ અને તેમનાં પરમ મિત્ર સ્વ. એન્થની કોરેઠને અર્પણ કર્યું હતું.

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા બદલ, તેઓએ SGCCI ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટના ચેરમેન શ્રી રજનીભાઈ મારફતિયા અને તેમની ટીમનો આભાર માન્યો હતો.


Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા                                                                    

Rupesh Dharmik

Leave a Comment