Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ

The little delicate child warrior who defeated Corona chirps in the covid ward

માત્ર ૨૦ દિવસના નવજાત બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કરતો  નવી સિવિલનો બાળરોગ વિભાગ

છેલ્લા મહિનામાં ૩૪ સગર્ભાઓની ડિલીવરી કરવામાં આવી, જેમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું નથી: આસિ.પ્રોફેસર અને ડો.અપૂર્વ શાહ

સુરત: છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈનમાં યુવાનો, કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રિક્ટ વિભાગે માત્ર ૨૦ દિવસના નવજાત બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કર્યું છે. કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ કોરોના વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ ગુંજતા પરિવાર અને બાળવિભાગના સ્ટાફની ખુશી સમાતી ન હતી.

વરાછાના પુણા ગામ વિસ્તારમાં રહેતા મહેશભાઈ પટોળીયાના પત્ની આશાબેન નવ મહિનાના સગર્ભા હતા. તેમને પ્રસુતિની પીડા થતાં વરાછાની સામાજિક સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં તા.૨ એપ્રિલે દાખલ કરાયા હતાં. જ્યાં આશાબહેને રાત્રે ૧૧ વાગ્યે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલે પટોળીયા દંપતિના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતા બંન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. પ્રસુતાને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં હતાં. ૧૦ દિવસ બાદ આ દંપતિ બાળકને ફરી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા, જ્યાં ૧૦ દિવસના બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરતા બંન્ને રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જેથી સારવાર માટે વરાછાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું. પરંતુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતાં પટોળીયાને પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી તા.૧૩મીએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને શિફ્ટ કર્યું.

ત્યારબાદનો ઘટનાક્રમ વર્ણવતાં બાળરોગ વિભાગના આસિ.પ્રોફેસર ડો.અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં ૩૪ સગર્ભા મહિલાઓની ડિલવરી કરવામાં આવી જેમાં હાલ સુધીમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું ન હતું, તે બાબતની ઘણી ખુશી છે. પરંતુ ગત તા.૧૩ એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલથી નવી સિવિલ પ્રસુતા આશાબેનની સાથે કોરોના પોઝિટિવ બાળકને પિડીયાટ્રિક વિભાગના એન.આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું, ત્યારે તેનું CRP અને ડી-ડાયમર લેવલ પણ વધી ગયું હતું. માત્ર ૧૩ દિવસના બાળકની કોરોનાની સારવાર કરવી પણ ઘણું મુશ્કેલ હોય છે. શરૂઆતમાં એન્ટિબાયોટીક આપીને સારવાર શરૂ કરી હતી. અમારી તબીબી ટીમે બાળકની સાથે માતાની પણ એટલી જ કાળજી રાખી, કેમ કે બાળક પોઝિટિવ હતું અને માતા નેગેટિવ. પરંતુ આખરે ૭ દિવસની સારવારમાં બાળકને સંપૂર્ણપણે કોરોનામુક્ત કરવામાં સફળતા મળી છે. માતા બાળક ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરતાં એમના પરિવારને જેટલી ખુશી છે, એમનાથી અધિક ખુશી તબીબી સ્ટાફને છે.

બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક ક્ષણે તો મને કંઈ જ સમજાયું નહી કે હવે શું કરવું પણ મને સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ બહેનો પર વિશ્વાસ હતો એટલે ખૂબ જ ઝડપથી મારા બાળકને કોરોનામુક્ત કરવામાં જીત મળી છે એમ પિતા મહેશભાઈ જણાવે છે.

વિભાગીય વડા અને પ્રોફેસર ડો.વિજય શાહના માર્ગદર્શન હેઠળ પિડીયાટ્રિક વિભાગના એસો.પ્રોફેસર ડો.પન્નાબેન બલસારા અને આસિ.પ્રોફેસર ડો.સુધીર ચૌધરી સહિતની તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમે પરિવારના મુખ પર હાસ્ય રેલાવ્યું છે.

આમ, કોરોનાની મહામારીના કઠિન સમયમાં પણ સતત ફરજ નિભાવી રહેલા સિવિલના તબીબોએ ફરી એકવાર નવજાત બાળકને ૭ દિવસની સારવારમાં જ કોરોનામુક્ત કરી નવજીવન આપ્યું.


Related posts

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર

Rupesh Dharmik

Leave a Comment