Republic News India Gujarati
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ વિષય પર સુરતમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ

Pre-Vibrant Summit on 'Weaving Growth for Textile' held in Surat under the chairmanship of Chief Minister Bhupendra Patel

‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ પર યોજાઈ વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ સમિટ

સુરત: ‘ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. રાજ્ય સરકારે ટેક્ષટાઈલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઈલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઈલ પાર્ક્સ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે’, એમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે આયોજિત ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી,૨૦૨૨ દરમિયાન યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨’ ના ભાગરૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટના વિવિધ તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલ ઉદ્યોગ માનવીની ‘રોટી, કપડા અને મકાન’ની મૂળભૂત ત્રણ જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ગુજરાતમાં ટેક્ષટાઈલ સહિતના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઈવ ‘F’ ની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશનું કુલ ૩૭ ટકા સૂતરનું ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઈલ ઊદ્યોગનું કેપિટલ છે. ભારતમાં વણાયેલા ફેબ્રિકસમાં ગુજરાતનો હિસ્સો ૩૭ ટકા છે, મેનમેઈડ ફાઈબર ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યનું યુવાધન આઈ.ટી.આઈ.માં ટેક્ષ્ટાઈલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજ્યની ૨૫ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ટેક્ષટાઈલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ફાર્મ ટુ ફેશનની સંપૂર્ણ વેલ્યુ ચેઈન સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગમાં ઉપલબ્ધ છે, જેના થકી વૈશ્વિક ફલક પર સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ વિકાસના સીમાચિહ્નો સર કરશે, તેનો માતબર લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાનો છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Pre-Vibrant Summit on 'Weaving Growth for Textile' held in Surat under the chairmanship of Chief Minister Bhupendra Patel

તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’, સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ના વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ કટિબદ્ધ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને તેમની કોઈ પણ સમસ્યાઓના નિવારણ તેમજ સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી રાજ્ય સરકાર નિભાવી રહી છે. વૈશ્વિક સોર્સિંગ હબ તરીકે ભારતીય કાપડ ઉદ્યોગને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટેની પણ નેમ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે, આફતને અવસરમાં તબદીલ કરવાની પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળી છે.

આ અવસરે કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગ્લોબલ માર્કેટને સર કરવા માટે ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસ માટે વિઝન પૂરું પાડી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં રૂ.૪૪૪૫ કરોડના ખર્ચે ૭ ટેક્ષટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, એમ જણાવતાં PLI સ્કીમનો સૌથી વધુ ફાયદો રેડીમેડ ગારમેન્ટ, મેનમેડ ફાઈબર, ટેકનિકલ ફાઈબર ક્ષેત્રને થશે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર થકી કેન્દ્ર સરકાર અંત્યોદયની વિચારધારાને વેગવાન બનાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ઉદ્યોગરાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરીને ‘આત્મનિર્ભર ગુજરાત’ બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ‘મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા’ની સાથે ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. ટેક્ષટાઈલ, ગારમેન્ટ, સિલ્ક, જેમ્સ એન્ડ જવેલરી જેવા ક્ષેત્રોમાં સુરત શહેર તેજગતિએ વિકાસના સિમાચિહ્નો સર કર્યા છે. આવનારા સમયમાં ટેકનિકલ ટેક્ષટાઈલક્ષેત્રનું ભાવિ ઉજળુ હોવાનું જણાવીને આ ક્ષેત્રના વિકાસમાં આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતી સાહસિકોની મૌલિકતા, સાહસવૃત્તિના કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગ પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે. ટુંક સમયમાં જમીન ફાઈનલ થવાથી ટેક્ષટાઈલ પાર્કનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સૌના હિતોના રક્ષણ માટે જાગૃત રાજય સરકાર કાપડ ઉદ્યોગકારોની જી.એસ.ટી. અંગેની માંગણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે. ટેક્ષટાઈલમાં બાંગ્લાદેશ સાથે આપણી સ્પર્ધા થઈ રહી છે એમ જણાવતાં તેમણે આપણી ઈન્ડસ્ટ્રીઝ માટે પૂરતી માત્રામાં મેનપાવર છે, જેથી વધુને વધુને રિસર્ચ કરીને ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝને આગળ વધારવાના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

જીઆઈડીસીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી એમ,થેન્નારસને મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોને આવકારી આ સમિટના વિવિધ સેશન અને ટેક્ષટાઈલ ઉદ્યોગના વિકાસ માટે થનાર વિચારમંથન અંગેની વિગતો આપી હતી.

આ વેળાએ ‘કાપડ ઉદ્યોગનો થઈ રહેલો વિકાસ અને ભવિષ્યની ઉજળી તકો’ વિષયક વિડીયોફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માર્ગ અને મકાનમંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિરાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, GIDCના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રાલયના સેક્રેટરીશ્રી ઉપેન્દ્રપ્રસાદ સિંઘ, એસોચેમ ગુજરાતના ચેરમેનશ્રી ચિંતન ઠાકર, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષશ્રી આશિષ ગુજરાતી તેમજ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, ટેક્ષટાઈલ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


Related posts

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

Leave a Comment