Republic News India Gujarati
બિઝનેસસુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘આઇપીઓપ્રિન્યોર્સ’ વિષે કાર્યક્રમનું આયોજન

The Southern Gujarat Chamber of Commerce and Industry organized a program on 'IPOPreneurs'.

આગામી પાંચ વર્ષમાં જો સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થશે તો રૂપિયા પ૦ હજાર કરોડની વેલ્યુ ક્રિએટ થઇ શકશે : સ્ટોક એક્ષ્ચેન્જ નિષ્ણાંતો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇકો સિસ્ટમ ડેવલપ કરવાની પહેલના ભાગ રૂપે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સવિષે કાર્યક્રમ યોજાયો, આઇપીઓ કરી ચૂકેલી વીસ જેટલી કંપનીઓના માલિકો અને પ્રતિનિધિઓને સન્માનિત કરાયાં

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૮ ફેબ્રુઆરી, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં ‘આઇપીઓપ્રિન્યોર્સ’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતાઓ તરીકે મુંબઇ સ્થિત બીએસઇ એસએમઇના હેડ અજય કુમાર ઠાકુર, અમદાવાદ સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ આશીષ ગોયલ અને સુરત સ્થિત જૈનમ બ્રોકીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર મિલન પરીખે ઉદ્યોગકારોને કંપનીને સ્ટોક એક્ષ્ચેન્જીસ ઉપર લીસ્ટેડ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, હાલ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩.૪ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે વિશ્વમાં આઠમા ક્રમે છે. ગત વર્ષે લગભગ ૪૦ કંપનીઓએ આઇપીઓ દ્વારા તેમની મૂડી એકત્ર કરી હતી. છેલ્લાં ર૦ વર્ષો દરમ્યાન વર્ષ ર૦૦૭ માં સૌથી વધુ ૧૦૮ કંપનીઓએ આઇપીઓ દ્વારા મૂડી એકત્ર કરી હતી. હાલ એનએસઇ અને બીએસઇ પર લગભગ ૬૮૧૯ કંપનીઓ લિસ્ટેડ છે. લિસ્ટિંગ દ્વારા મૂડી એકત્ર કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર બિઝનેસ જાહેર થઈ ગયા બાદ રોકાણકારો બજારમાં તેના શેરનો વેપાર કરી શકે છે.

વધુમાં તેમણે કહયું હતું કે, સુરત હવે તેની અર્થવ્યવસ્થા અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. હવે સુરતની ઘણી કંપનીઓ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ છે અને બધા સારા વોલ્યુમ સાથે ટ્રેડ થઇ રહયાં છે. તેમાંથી ઘણાએ તેમના રોકાણકારોને સુંદર વળતર આપ્યું છે.

અજય કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, તા. ૧૩ માર્ચ, ર૦૧ર માં પ્રથમ એસએમઇ કંપની સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટેડ થઇ હતી. છેલ્લાં દસ વર્ષમાં ૩૮૦૦૦ કંપનીઓના પ્રમોટર્સને લીસ્ટીંગ કરાવવા માટે સમજણ આપી છે ત્યારે એમાંથી ૭૦૦ પ્રમોટર્સ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ થયા છે. હવે આ કંપનીઓએ રૂપિયા ૧ લાખ કરોડથી પણ વધુનું વેલ્યુએશન કરી લીધું છે.

આઇપીઓ લાવવા માટે મહત્વના ચાર ક્રાઇટેરીયા વિષે તેમણે ઉદ્યોગકારોને માહિતી આપી હતી. એના માટે કંપની ત્રણ વર્ષ જૂની હોવી જોઇએ અને એક વર્ષે તેને નફો રળેલો હોવો જોઇએ. કંપનીની ઓછામાં ઓછી રૂપિયા દોઢ કરોડની એસેટ્‌સ હોવી જોઇએ અને કંપની પોઝીટીવ નેટવર્થ ધરાવતી હોવી જોઇએ.

તેમણે લીસ્ટીંગના લાભો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટોક એક્ષ્ચેન્જ પર લીસ્ટીંગ બાદ કંપની રપ ટકા શેર ડાયલુટ કરીને માર્કેટથી ઇકવીટી ફંડ મેળવી શકે છે. જો કે, આ ફંડનો ઉપયોગ પ્રમોટર્સે ઉદ્યોગ–ધંધાના વિકાસ માટે કરવો જોઇએ. દેશની દરેક વ્યકિત એમાં રોકાણ કરી શકે એવી પ્રમોટર્સની કંપનીની વિઝીબિલિટી અને ટ્રાન્સપરન્સી હોવી જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શેર્સ દેખાતા નથી પણ એ જ વેલ્યુએશન આપે છે. આથી તેમણે સુરતની કંપનીઓને એનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહયું હતું કે સુરતથી દર વર્ષે ર૦૦ કંપનીઓ સ્ટોક એક્ષ્ચેન્જ પર જોડાઇ શકે છે. આગામી પાંચ વર્ષમાં જો સુરતની ર૦૦ થી પ૦૦ કંપનીઓ લીસ્ટીંગ થશે તો રૂપિયા પ૦ હજાર કરોડની વેલ્યુ ક્રિએટ થઇ શકશે.

મિલન પરીખે જણાવ્યું હતું કે, આઇપીઓ લાવવું થોડું અઘરું છે પણ અશકય નથી. એના માટે કંપનીનું નેટવર્થ પ્રોપર હોવું જોઇએ. કંપનીએ ઇન્કમ ટેક્ષ વ્યવસ્થિત રીતે ભરવો પડશે. આઇપીઓ માટે કંપનીએ બ્રાન્ડીંગ પર ધ્યાન આપવું પડશે. સાથે જ વ્યવસ્થિત રજૂઆત કરવી પડશે.

આ કાર્યક્રમમાં આઇપીઓ કરી ચૂકેલી વીસ જેટલી કંપનીઓના માલિકો તથા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.

(૧)    આનંદ બક્ષી, આનંદ રેયોન્સ લિમિટેડ

(ર)    તેજસ કાપડીયા, ટાઇટેનિયમ ટેન એન્ટરપ્રાઇઝ લિમિટેડ

(૩)    ચેતન શાહ, સોલેક્ષ એનર્જી લિમિટેડ

(૪)    રોહન દેસાઇ, એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

(પ)    ચેતનકુમાર વઘાસિયા, અમિ ઓર્ગેનિકસ લિમિટેડ

(૬)    અમર દોશી, આરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

(૭)    હાર્દિક દેસાઇ, ટ્રાઇડેન્ટ લાઇફલાઇન લિમિટેડ

(૮)   લેજસ દેસાઇ, સનરાઇઝ એફિશિયન્ટ માર્કેટીંગ લિમિટેડ

(૯)   નારાયણ સાબૂ, બિગબ્લોક કન્સ્ટ્રકશન લિમિટેડ

(૧૦) આનંદ દેસાઇ, અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ

(૧૧) ચિંતન શાહ, તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ

(૧ર) ધીરજ શાહ, ફેરડીલ ફિલામેન્ટ્‌સ લિમિટેડ

(૧૩) ફારૂક પટેલ, કેપીઆઇ ગ્રીન એનર્જી લિમિટેડ (કેપી ગૃપ)

(૧૪) ઘનશ્યામ લુખી, તાપી ફુ્રટ પ્રોસેસિંગ લિમિટેડ

(૧પ) હિમાંશુ પટેલ, એચએલઇ ગ્લાસકોટ લિમિટેડ

(૧૬) પ્રદિપ નાવિક, ઝીલ એકવા લિમિટેડ

(૧૭) મનહર સાસપરા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્‌સ લિમિટેડ

(૧૮) સતિષકુમાર માનિયા, શિશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

(૧૯) કેતનકુમાર ઝોટા, ઝોટા હેલ્થ કેર લિમિટેડના (તેમના વતિ હિમાંશુ ઝોટા)

(ર૦) ધર્મેશ દેસાઇ, મીરા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં પેનલિસ્ટો તરીકે ઝોટા હેલ્થ કેર લિમિટેડના હિમાંશુ ઝોટા, સોલેક્ષ એનર્જી લિમિટેડના ચેતન શાહ, અમદાવાદના બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રા.લિ.ના ડાયરેકટર સીએ નિખિલ શાહ, યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્‌સ લિમિટેડના મનહર સાસપરા અને સનરાઇઝ એફિશિયન્ટ માર્કેટીંગ લિમિટેડના લેજસ દેસાઇ જોડાયાં હતાં. પેનલ ડિસ્કશનનું સંચાલન અમદાવાદ સ્થિત નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ આશીષ ગોયલે કર્યું હતું. આઇપીઓ લાવવા માટે ઉદ્યોગકારોના વિવિધ સવાલોના જવાબો પેનલિસ્ટો દ્વારા આપવામાં આવ્યા હતા.

આઇપીઓ કરી ચૂકેલા પ્રમોટર્સે નીચે મુજબના અનુભવો વાગોળ્યાં હતાં.

– આઇપીઓ મેળવ્યા બાદ તેઓને માત્ર પરિવાર, સગા સંબંધીઓ કે ઉદ્યોગ પૂરતા જ નહીં પણ આખા દેશના લોકો ઓળખતા થયા છે.

– આઇપીઓને કારણે કંપની પ્રત્યે મજબુત વિશ્વાસ ઉભો થઇ જાય છે.

– વિદેશની કંપનીઓ જ્યારે ભારતમાં રોકાણ કરવા માંગે છે ત્યારે તેઓ સ્ટોક એક્ષ્ચેન્જ ઉપર લીસ્ટીંગ થયેલી કંપનીઓની સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરે છે.

– વિઝીબિલિટીની સાથે સાથે કંપનીને ક્રેડીબિલિટી પણ મળે છે.

– સ્થિર કંપની હોય તો એને વધારે વેલ્યુએશન મળે છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યમ કરવા વગર કશું થવાનું નથી. આ કાર્યક્રમના આધારે ચેમ્બર દ્વારા ઇકો સિસ્ટમ ડેવલપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ વકતાઓનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં સન્માન સમારોહનું સંચાલન ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ કર્યું હતું. જ્યારે કમિટીના કો–ચેરમેન ડો. રાકેશ દોશીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો રૂપીન પચ્ચીગર, સી. એસ. જરીવાલા અને બી. એસ. અગ્રવાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં. સુરતના પ૦૦ થી વધુ ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન સંજય પંજાબી તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

Leave a Comment