“મારે કલેક્ટર બનવુ છે”…..અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની…


11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ…

ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી-

‘મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?…’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની… અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે…

આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરશ્રીની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું… ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેક્ટરશ્રીની ચેમ્બરમાં લઈ જવાઈ… જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વયં ફ્લોરાને કલેક્ટરશ્રીની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.

જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ આ સંવેદનાપુર્ણ ઘટના વર્ણવતા કહ્યું હતું કે, ‘ ફ્લોરા છેલ્લા સાત માસથી બ્રેઈન ટ્યુમરથી પીડાય છે, નાનપણથી જ ભણવામાં તેજસ્વી એવી ફ્લોરાને કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા છે… મેક અ વીશ ફાઉન્ડેશન દ્વારા મને જાણ થઈ કે આ દીકરી બ્રેઈન ટ્યુમરથી પીડાય છે, અને તેને કલેક્ટર બનવાની બહુ ઈચ્છા છે.. મેં પળનો પણ વિલંબ કર્યા વિના મારા અધિકારીઓને તેના ઘરે મોકલીને ફ્લોરાની આ ઈચ્છા પુર્ણ કરવાની તૈયારી બતાવી… દીકરીની નાજૂક તબિયતના પગલે તેના માતા પિતા થોડી અવઢવમાં હતા… તેમના પરિવારજનો કદાચ મારી સામે આ રજૂઆત કરવામાં સંકોચ અનુભવી રહ્યા હતા. પણ મેં કહ્યું કે, આખુ જિલ્લ્લા વહીવટી તંત્ર તૈયાર છે બસ તેને એક દિવસ કલેક્ટર કચેરીમાં લાવો… તેના માતા પિતા તૈયાર થયા અને તેમના સહયોગ અને ઈચ્છાથી ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનાવી શકાઈ…જિલ્લાના વડા તરીકે આ દીકરીની ઈચ્છા સાકાર કરવાનો મને અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે…’ એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રએ ફ્લોરાના પરિવાર પાસેથી ફ્લોરાની ઈચ્છા જાણીને તેને એક ટેબ્લેટ, બાર્બી ગર્લ સેટ તંત્ર દ્વારા અપાયો હતો. આ ઉપરાંત કલેક્ટરશ્રીની ચેમ્બરમાંજ ફ્લોરાના જન્મ દિવસને નિમિત્ત બનાવીને કેક પણ કાપવામાં આવી હતી.

ફ્લોરાના માતા સોનલબેન તથા અપૂર્વભાઈ આસોડીયાએ કહ્યું હતું કે, ”અમારી દીકરી નાનપણથી ભણવામાં હોંશિયાર હતી. એ સદાય કહેતી કે ‘મારે તમને કંઈક કરી બતાવવું છે..સારી જિંદગી આપવી છે…’ જો કે બ્રેઈન ટ્યુમરની બીમારી જણાતા અમે પણ ખુબ નાસીપાસ થઈ ગયા હતા… પણ મેક વીશ ફાઉન્ડેશને જિલ્લા કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો, અને સાગલે સાહેબે પણ ક્ષણનોય વિલંબ કર્યા વિના અમારી

દીકરીને કલેક્ટર બનાવી, એટલું જ નહી તેને ગાડીમાં લાવ્યા, ખુરશી પર બેસાડી તેના હાથે સરકારી યોજનાના લાભ પણ અપાવ્યા… અમે વાલી તરીકે જિલ્લા કલેક્ટરશ્રીની આ સંવેદના અને આ અભિગમ જિંદગી ભર નહી ભૂલીએ…’ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે એક દિવસીય કલેક્ટર ફ્લોરા દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ તથા ‘વિધવા સહાય યોજના’ અંતર્ગત લાભાર્થિઓને લાભ પણ વિતરિત કરાયા હતા.

બાળપણથી જ કલેક્ટર બનવાનું સ્વપ્ન લઈને જીવતી ફ્લોરાનું આ સ્વપન્ પૂર્ણ થતા ફ્લોરાના જીવનમાં નવઉર્જાનું સર્જન થયું છે. હવે તે પહેલા કરતા પણ વધુ જુસ્સા સાથે બ્રેઇન ટ્યુમર સામેની લડત લડવા સજ્જ થઇ છે. તેના પરિવારને પૂર્ણ વિશ્વાસ છે કે તે આ જીવલેણ રોગને હરાવીને કાયમી કલેક્ટર બનીને પ્રજાજનોની સેવા કરવા સક્ષમ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક સેવાભાવી સંસ્થા મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા ગંભીર અને જીવલેણ બિમારી થી પીડાતા અને જીવન અને મરણ વચ્ચે સંધર્ષમય જીવન વ્યતિત કરતા બાળકોની ઇચ્છા પૂર્તિ કરવામાં આવે છે. તેમના દ્વારા બાળકોના સ્વપ્ન પૂર્ણ થાય, બાળક એક દિવસ અથવા કોઇ ચોક્કસ સમયગાળા માટે તે સ્વપ્નપૂર્તિ સાથે જીવી શકે તે માટેના અભ્યર્થ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. મેક અ વિશ ફાઉન્ડેશનના અમદાવાદ યુનિટ દ્વારા કોરોના કાળમાં ૪૭૦ બાળકોની અને ૨૦૨૧ માં ૩૭૭ બાળકોની અદમ્ય ઇચ્છાઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ફ્લોરાના પરિવારજનો, અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી યોગીરાજસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરીબા વાઘેલા અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *