સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણત્રીસમાં હ્રદય અને ફેફસાંનાં દાનની ચોથી ઘટના.
લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ પીયુષ નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
સુરતથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં, સુરતથી મુંબઈનું ૨૯૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.
રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે ૧૦:00 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આયુષ ICU એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાએ ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
બુધવાર તા.૨૮ ઓકટોબરના રોજ ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉ.ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉ.કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરાએ પીયુષને બ્રેનડેડ જાહેર કર્યો. આયુષ હોસ્પીટલના મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.રમેશ પટેલે સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પીયુષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતાશ્રી નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
સૌ પરિવારજનોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. આથી જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની, લિવર અને પેન્ક્રીયાસ ના દાન માટે જણાવ્યું.
SOTTO દ્વારા હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, કિડની, લિવર તથા પેન્ક્રીયાસ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. ROTTO દ્વારા ફેફસા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.
સુરત આવી હૃદયનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પીટલના ડૉ.ધવલ નાયક, ફેફસાનું દાન મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ.સંદીપ સિંહા, કિડની, લિવર અને પેન્ક્રીયાસનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં ડૉ.ધીરેન શાહ, ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ સુધીનું ૨૯૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
દાનમાં મેળવવામાં આવેલી બે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાંથી હૃદયદાનની આ છત્રીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ ઓગણત્રીસમી ધટના છે, જેમાંથી ૨૦ હૃદય મુંબઈ, ૫ હૃદય અમદાવાદ, ૨ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ફેફસાના દાનની આ ચોથી ઘટના છે. જેમાંથી ૨ ફેફસા બેંગ્લોર, ૪ ફેફસા મુંબઈ અને ૨ ફેફસા ચેન્નાઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ નાનામાં નાના છેવાડાના વ્યક્તિ પણ કરાવી શકે તે માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. ૭,૫૦,૦૦૦/- ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.૭,૫૦,૦૦૦/- અને હૃદય અને ફેફસાના સંયુક્ત ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.૧૦,૦૦,૦૦૦/- ની સહાય માનનીય મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી ચૂકવવાનું ઠરાવ્યું છે.
હ્રદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને બે વખત ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૫૯ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં પીયુષના પિતા નારણભાઈ, માતા ગોમતીબેન, પત્ની નયનાબેન, ભાઈ પરેશ, મોટા પપ્પા ભુરાભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ સાળા સંજય તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યૂરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉ.ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉ.કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરા, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.રમેશ પટેલ, આયુષ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા, મંત્રીશ્રી રાકેશ જૈન, સીઇઓ નિરવ માંડલેવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, જીતેન્દ્ર મોરે, મહેન્દ્રસિંહ ગોહિલ, અંકિતપટેલ, કરણપટેલ, હેત દેસાઈ, રમેશ વઘાશિયા અને રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૧ કિડની, ૧૫૧ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૨૯ હૃદય, ૮ ફેફસાં અને ૨૭૪ ચક્ષુઓ કુલ ૮૪૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૭૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૩ હૃદય, ૪ ફેફસા, ૧૨ કિડની, ૬ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૦ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.